November 15, 2024

નેપાળમાં પણ હવે MDH અને એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધ

અમદાવાદ: ગયા મહિને શરૂ થયેલો ભારતીય મસાલાનો વિવાદ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદ હવે સિંગાપોર અને હોંગકોંગ થઈને નેપાળ પહોંચ્યો છે. નેપાળે ભારતીય બ્રાન્ડના બે મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. નેપાળ દ્વારા પ્રતિબંધિત મસાલાની બે બ્રાન્ડ એવરેસ્ટ અને MDH છે. બંને મસાલા બ્રાન્ડ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા વડે બનાવેલ ભોજન લગભગ દરેક ઘરમાં માણવામાં આવે છે. પરંતુ નેપાળે એવરેસ્ટ અને MDH મસાલા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

નેપાળમાં પણ MDH, એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ
નેપાળે આ પગલું બંને મસાલામાં હાનિકારક કેમિકલ હોવાના આરોપો બાદ ઉઠાવ્યું છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના અધિકારી મોહન કૃષ્ણ મહારાજને સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે તેમના દેશમાં આયાત કરાયેલ ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDH બંનેમાં હાનિકારક રસાયણો મળી આવ્યા છે, તેથી તેમની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બજારમાં આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મસાલામાં મળેલા કેમિકલની તપાસ કરવામાં આવી રહી છે. ટેસ્ટનો અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.”

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીની 34 કોલેજમાં BS કોર્ષ શરૂ કરવામાં આવશે, ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?

હાનિકારક રસાયણોને ટાંકીને મસાલા પર પ્રતિબંધ
મોહન કૃષ્ણ મહારાજને કહ્યું કે હોંગકોંગ અને સિંગાપોર પહેલા જ બંને મસાલા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે અને તેમના પછી નેપાળે આ પગલું ભર્યું છે. ભારત સરકારના સૂત્રોએ ANIને જણાવ્યું કે વિવિધ દેશોમાં EtO ના ઉપયોગને 0.73 ટકાથી 7 ટકા સુધી મંજૂરી છે. તેમણે કહ્યું કે વિવિધ દેશોએ ETOના ઉપયોગ માટે એક ધોરણ તૈયાર કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ દેશોમાં મસાલા પર પ્રતિબંધ ભારતની કુલ મસાલાની નિકાસના એક ટકા કરતા પણ ઓછો છે.

ભારતીય મસાલા બોર્ડે શું પગલાં લીધાં?
મસાલાના વિવાદ વચ્ચે સ્પાઈસિસ બોર્ડ ઓફ ઈન્ડિયાએ આ વિસ્તારોમાં ભારતીય મસાલાની નિકાસની સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા પગલાં લીધાં છે. બોર્ડે ટેકનો-સાયન્ટિફિક કમિટીની ભલામણો લાગુ કરી છે, જેણે મુખ્ય કારણ શોધવાનો પ્રયાસ કર્યો હતો અને તેની પ્રોસેસિંગ સુવિધાનું પણ નિરીક્ષણ કર્યું હતું. નમૂનાઓ પરીક્ષણ માટે પ્રમાણિત લેબમાં મોકલવામાં આવ્યા છે.

ભારતના મસાલા બોર્ડે 130 થી વધુ નિકાસકારો અને સંગઠનો, જેમ કે ઓલ ઈન્ડિયા સ્પાઈસિસ એક્સપોર્ટર્સ ફોરમ અને ઈન્ડિયન સ્પાઈસિસ એન્ડ ફૂડ્સ એક્સપોર્ટર્સ એસોસિએશનને સંડોવતા સ્ટેકહોલ્ડર પરામર્શનું પણ આયોજન કર્યું હતું. બોર્ડે તમામ નિકાસકારોને ETO સારવાર માટેની માર્ગદર્શિકા પણ જારી કરી છે. ભારતમાંથી નિકાસ કરવામાં આવતા મસાલામાં EtOના દૂષણને રોકવા માટે મસાલા બોર્ડે આ પગલું ભર્યું છે.