November 25, 2024

ડાયમંડ લીગથી નીરજ ચોપરા ઓલિમ્પિકની તૈયારી શરૂ કરશે, કિશોર જેના કરશે ડેબ્યૂ

Doha Diamond League: ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા શુક્રવારે દોહા ડાયમંડ લીગ વન-ડે મેચના પ્રથમ તબક્કાની સાથે પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરશે. વર્તમાન વિશ્વ અને એશિયન ગેમ્સ ચેમ્પિયન ભારતના ભાલા ફેંકનાર ચોપરાનો મુકાબલો ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા ચેક રિપબ્લિકના યાકૂબ વાલેશ સાથે થશે.

આ પણ વાંચો: આજે SRH અને LSG વચ્ચે ‘મહામુકાબલો’

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ભારતના કિશોર જેના ડાયમંડ લીગમાં પદાર્પણ કરશે. તેમનું સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન 87.54 મીટર છે જ્યારે ચોપરાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 89.94 મીટર છે જે એક રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે. યુરોપિયન ચેમ્પિયન જર્મનીનો જુલિયન વેબર પણ લીગમાં ભાગ લેનાર દસ ખેલાડીઓમાં સામેલ છે. આ પછી, લીગનો બીજો લેગ મોરોક્કોમાં 19 મેના રોજ યોજાશે.

ચોપરા અહીં ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે, જેણે 2023માં વાલેશ અને પીટર્સને હરાવ્યા હતા. ચોપરાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સફળતા ટીમ વર્ક પર આધાર રાખે છે. મારા કોચ અને ફિઝિયોએ ઘણું યોગદાન આપ્યું છે. કોચ મારી ટેકનિકની સમીક્ષા કરે છે અને મને કહે છે કે મને શું અનુકૂળ પડશે. અમારી પાસે સ્ટ્રેન્થ ટ્રેનિંગ સ્પેશિયાલિસ્ટ પણ છે.’

આ પણ વાંચો: સંજુ સેમસન સામે BCCIની મોટી કાર્યવાહી!

પીટર્સે 2022માં અહીં 93.07નો થ્રો કર્યો હતો. ટોક્યો ઓલિમ્પિક્સનો સિલ્વર મેડલ વિજેતા વોલેસ 2023 ડાયમંડ લીગ ચેમ્પિયન છે અને અહીં 2022માં તેણે 90.88 મીટરનો થ્રો કર્યો હતો. ચોપરાએ ડાયમંડ લીગના ત્રણ અલગ-અલગ ચરણો જીતી લીધા છે અને 2022માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

આ પછી ચોપરા ત્રણ વર્ષમાં પહેલીવાર ભારતમાં રમશે. તે ભુવનેશ્વરમાં 12 થી 15 મે દરમિયાન નેશનલ ફેડરેશન કપ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. સાથે સાથે કિશોર જેના પણ તેમાં ભાગ લેશે. મેન્સ ક્વોલિફાઈંગ રાઉન્ડની ભાલા ફેંકની મેચ 14 મે અને ફાઈનલ 15 મેના રોજ યોજાશે.