December 22, 2024

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF ટીમ તૈનાત કરાઇ

બનાસકાંઠા: રાજ્યભરમાં થઈ રહેલા મેઘ તાંડવ વચ્ચે ચારે બાજુ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.બનાસકાંઠા જિલ્લામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી હોવાથી સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ NDRF ટીમને તૈનાત રાખી છે. બનાસકાંઠામાં આવેલી NDRFની ટીમે ડીસાની બનાસનદીના કાંઠાના ગામોના લોકોને પૂરની પરિસ્થિતિમાં પહોંચી વળવા તેમજ બચાવની કામગીરી કરવા જરૂરી તાલીમ અને સૂચનાઓ આપી હતી.

રાજ્યભરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા અનેક જિલ્લાઓમાં નદીનાળાઓ છલકાઈ જતા પુરની પરિસ્થિતિ સર્જાઇ છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં પણ સાવ નહીંવત વરસાદ થયો છે. જોકે આગામી બે દિવસમાં બનાસકાંઠાના ઉપરના ભાગે દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી હોવાથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણી વધવાની શક્યતા છે.

હાલમાં બંને ડેમ 25%થી પણ ઓછા પાણીથી ભરેલા છે, તેમ છતાં રાજસ્થાનમાં વધુ વરસાદ થાય તો બંને ડેમમાં પાણી વધી શકે અને જો દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉભી થાય તો કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા NDRFની ટીમે બનાસ નદી કાંઠે આવેલા રાણપુર ઉગમણાવાસ, રાણપુર વચલા વાસ, વાસડા, મોરથલ ગોળીયા ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને પૂરની પરિસ્થિતિમાં બચાવવાની કામગીરી કરવા જરૂરી સૂચનાઓ અને તાલીમ આપી હતી.