January 7, 2025

નાયબ સિંહ સૈની બીજીવાર હરિયાણાના મુખ્યમંત્રી બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા

Nayab Singh Saini: હરિયાણામાં બીજેપી પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. રાજ્યમાં સતત ત્રીજી વખત કેસરીયો લહેરાયો છે. નાયબ સિંહ સૈની ફરી એકવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેઓ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. તેઓ આવતીકાલે શપથ લેશે. આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બીજેપી વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં હરિયાણાના પ્રભારી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સહ પ્રભારી વિપ્લવ દેબ, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા. આ બેઠક માટે અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બેઠક પંચકુલાના ભાજપ કાર્યાલયમાં યોજાઈ હતી.

ભાજપના અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહે પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. પરંતુ પાર્ટીએ ફરી એકવાર નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં સર્વાનુમતે દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. અનિલ વિજ અને મનોહર લાલ ખટ્ટરે સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં અમિત શાહે કહ્યું કે આ ભાજપની નીતિઓની જીત છે. ભાજપ સિવાય 80ના દાયકા પછી અન્ય કોઈ પાર્ટીએ ત્રીજી વખત પોતાના મુખ્યમંત્રીની પસંદગી કરી નથી.

શપથ ગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે
ચૂંટણી દરમિયાન ખુદ અમિત શાહે પંચકુલામાં કહ્યું હતું કે નાયબ સિંહ જ મુખ્યમંત્રી રહેશે. 17મી ઓક્ટોબરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહની પણ તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહ મોટાભાગના ચૂંટણી રાજ્યોમાં સંગઠનથી લઈને વ્યૂહરચના સુધી પાર્ટીની સમસ્યાઓને ઠીક કરવા માટે જવાબદાર છે. તેઓ પાર્ટીમાં ‘ચાણક્ય’ની ભૂમિકા નિભાવતા રહ્યા છે, પરંતુ આ વખતે અમિત શાહ જેવા દિગ્ગજ નેતાને નિરીક્ષક બનાવ્યા બાદ અટકળોનું બજાર ગરમ થયું હતું. શું પાર્ટી ફરી આશ્ચર્યજનક ચહેરો લાવવાનું વિચારી રહી છે?

અહીં ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપ સક્રિય થઈ ગયું છે. ઉમેદવારોના નામોને મંજૂરી આપવા માટે દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. પાર્ટી હેડક્વાર્ટરમાં લગભગ બે કલાક સુધી ચાલેલી સીઈસીની બેઠકમાં ઝારખંડમાં ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે હાજરી આપી હતી.

આ પણ વાંચો: 9 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ભારતીય વિદેશ મંત્રી એસ.જય શંકર, શાહબાઝ શરીફે કર્યું સ્વાગત

52 થી 53 બેઠકો માટે ઉમેદવારોના અંતિમ નામ
આ બેઠકમાં રાજ્યના ચૂંટણી પ્રભારી અને ઝારખંડ કોર ટીમના સભ્યો સાથે ઉમેદવારોના સંભવિત નામોની ચર્ચા કરવામાં આવી હતી. ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં ઝારખંડની લગભગ તમામ બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર 52થી 53 બેઠકો માટે ઉમેદવારોના નામ પર અંતિમ ચર્ચા થઈ હતી. લગભગ 12-13 બેઠકો માટે નામ ફાઇનલ કરવાની જવાબદારી રાષ્ટ્રીય અધ્યક્ષને આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી આગામી બે દિવસમાં ઝારખંડ માટે પ્રથમ યાદી જાહેર કરી શકે છે. પાર્ટી તેના સહયોગીઓ સાથે બેઠકો વહેંચ્યા બાદ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. પ્રથમ યાદીમાં 35 થી વધુ ઉમેદવારોના નામ હોઈ શકે છે.