નવસારીમાં પાણી પુરવઠા વિભાગનું કૌભાંડ, વિજિલન્સની તપાસ શરૂ
જીગર નાયક, નવસારીઃ જિલ્લામાં પાણી પુરવઠા કૌભાંડ સામે આવતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કૌભાંડમાં ફરિયાદ દાખલ કર્યા બાદ ફરીથી વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, 209 જેટલા પુરવઠા વિભાગના કામો થયા છે એમાંથી અનેક કામોમાં ક્ષતિઓ સામે આવી છે. દક્ષિણ ગુજરાતના પુરવઠા અધિકારીઓની 38 જેટલી ટીમો નવસારી જિલ્લામાં થયેલા કામોની તપાસ કરી રહી છે. ચાર અધિકારીઓની આગેવાનીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. દરેક પંચાયતોમાં જઈને થયેલા કામોની પંચાયતના સભ્યોને સરપંચો તથા તલાટીઓ સાથે પૂછપરછ કરી રહી છે.
નવસારી જિલ્લાના ચીખલી, ગણદેવી, વાંસદા અને ખેરગામ તાલુકામાં વિજિલન્સ ટીમો તપાસ કરી રહી છે. ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવતા અધિકારીઓમાં ફફડાટ શરૂ થયો છે. નવસારી જિલ્લાના પાણી પુરવઠા કૌભાંડમાં હજુ વધુ આરોપીઓ તેમજ કૌભાંડનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે.