November 24, 2024

ગણિતના શિક્ષક શોધવા અનોખી જાહેરાત, માત્ર ગણિતપ્રેમીઓ જ સમજી શકશે

navsari school unique advertisement for math's teacher

અનોખી જાહેરાતની તસવીર

અમદાવાદઃ ઈન્ટરનેટની દુનિયામાં લગ્નથી લઈને નોકરી સુધીની તમામ જાહેરાતો વાયરલ થતી હોય છે. પરંતુ આ વખતે શિક્ષકોની ભરતી માટે કોઈએ એવી જાહેરાત કરી છે કે, જેને જોઈને સોશિયલ મીડિયા પર લોકો પણ મૂંઝાઈ ગયા છે. હા, ઘણાં લોકો સમજી શક્યા નથી કે જાહેરાત આખરે શું છે. તો વાત એમ છે કે, ગણિત શિક્ષકની ભરતી માટેની આ અનોખી જાહેરાત RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ પોસ્ટ કરી હતી. જો કે, બાદમાં આ જાહેરાત ‘કોટક મ્યુચ્યુઅલ ફંડ’ના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહ દ્વારા પણ શેર કરવામાં આવી હતી.

આ તસવીર ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ 21 ફેબ્રુઆરીએ X પર પોસ્ટ કરી હતી. તેના કેપ્શનમાં તેમણે લખ્યુ હતુ કે, ‘આ જાહેરાત જોઈ.’ આ વાયરલ પોસ્ટમાં ગુજરાતના નવસારી જિલ્લાની એક શાળાનું નામ લખવામાં આવ્યું છે, જેમણે અદ્ભુત સર્જનાત્મકતા બતાવી છે અને તેનો ઉપયોગ કરી ફોન નંબર લખ્યો છે. આ પોસ્ટ ગણિતનાં જટિલ કોયડા જેવી લાગે છે. જોબ ઓપોર્ચ્યુનિટી સાથે લાલ રંગમાં મેચ ટીચર્સ વોન્ટેડ લખેલું છે. આ ઉપરાંત ફોન નંબરની જગ્યાએ એક ભયંકર ગાણિતિક સૂત્ર લખવામાં આવ્યું છે, જેને ઉકેલવાથી જ મોબાઇલ નંબર મેળવી શકાય છે.

ગોએન્કાની પોસ્ટને 20 લાખથી વધુ વ્યૂઝ અને 21 હજાર લાઈક્સ મળ્યા છે. જ્યારે આ ગુજરાતી શાળાની ગણિત શિક્ષકની ભરતીની અનોખી પદ્ધતિ જોઈને લોકો દંગ રહી ગયા હતા. જો કે, કેટલાક લોકો જાહેરાતનો ફોન નંબર શોધવા માટે તેમની ગાણિતિક શક્તિઓનો ઉપયોગ કરવામાં સફળ થયા હતા અને કેટલાક યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી હતી. જેમ કે, એક સજ્જને લખ્યું હતું કે, આ જાહેરાત ઉકેલ્યા પછી ઉમેદવારની સીધી ભરતી કરવામાં આવશે, ત્યાં કોઈ ઇન્ટરવ્યૂ નહીં હોય.