December 19, 2024

નવસારીમાં 20 હજારથી વધુ મિલકતોનો વેરો બાકી, સાડા આઠ કરોડ બાકી

Navsari palika property tax left 20 thousand property

ફાઇલ તસવીર

જીગર નાયક, નવસારીઃ રાજ્યની કોઈપણ પાલિકાનો મોટાભાગનો વિકાસ વેરાની આવકમાંથી થતો હોય છે. ત્યારે ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા નવસારી વિજલપોર પાલિકામાં અત્યાર સુધી ફક્ત 60 ટકા જ વેરની વસૂલાત થઈ શકી છે. સો ટકા વેરો ઉઘરાવવામાં નવસારી વિજલપોર નગરપાલિકાને ક્યાંકને ક્યાંક નિષ્ફળતા મળી છે.

ગુજરાતમાં કોઈપણ પાલિકા કે મહાનગરપાલિકાનું માળખું એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વિકાસનો મુખ્ય આધાર મિલકતમાંથી થતી આવક અને વેરાની આવક બની છે. ત્યારે નવસારી નગરપાલિકા દ્વારા દર વર્ષે વેરા બાબતે 100% લક્ષ્યાંકની વાતો કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે માત્ર 60 ટકા જેટલી જ વેરાની વસૂલાત થઈ શકી છે અને 20,000થી વધુ મિલકતોની ચાર વર્ષથી વસૂલાત બાકી છે. તેની સામે પાલિકા કોઈપણ પગલું ભરી શક્યું નથી. સાડા આઠ કરોડથી વધુ રકમનું લેણું પાલિકાનું બાકી છે, જે લાંબા સમય બાદ પણ પાલિકા વસૂલાત કરી શકી નથી. કોમર્શિયલ મિલકતધારકો પણ વેરો ભરવામાં આળસ દાખવી રહ્યા હોવાને લઈ વિપક્ષ દ્વારા આ બાબતને પાલિકાની નિષ્ફળતા ગણાવી છે.

વર્ષની શરુઆત થાય ત્યારથી પાલિકા દ્વારા બાકી વેરની વસૂલાત શરુ કરી દેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 24 કરોડથી વધુના રકમની વેરાની વસૂલાત કરવાની હતી જેમાંથી આજ દિન સુધી પાલિકા પાસે 18.71 કરોડ જેટલી વસૂલાત કરી છે. જેથી સ્પષ્ટ છે કે, હજી પણ મોટાભાગની મિલકતોની વસૂલાત કરવાની બાકી છે. 40 ટકા બાકી વેરાની વસૂલાતને લઈ વોર્ડ અનુસાર ટીમો બનાવી વસૂલાતની કામગીરી પણ કરવામાં આવી રહી છે. લાંબા સમયથી નાણા નહીં ભરનાર મિલકતધારકોને અલગ આઈડન્ટીફાઈ કરી કાર્યવાહી કરાશે તેવું પાલિકાના અધિકારીઓ જણાવી રહ્યા છે. હાલમાં શહેરમાં રિક્ષાઓ પણ ચલાવવામાં આવી રહી છે. જેમાં નાગરિકોને વેરો ભરી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે પરંતુ મોટાભાગના મિલકતધારકો વેરો ભરવામાં આળસ કરી રહ્યા છે.

પાલિકાની ઘડેલી નગર રચનાને પાર પાડવા પૂરતું ભંડોળ હોવું પાલિકા માટે અનિવાર્ય છે જ્યારે 100 ટકા વેરાની આવક થશે. ત્યારે પાલિકાનો વિકાસ પણ સારા પ્રમાણમાં થાય તેમ છે, જેથી પાલિકાએ બાકી વેરાની વસૂલાત વહેલી તકે પૂર્ણ કરવી એ હાલના સમયની માગ છે.