ડેપ્યૂટી કલેક્ટરની ઓળખ આપી જ્વેલર્સ સાથે લાખોના દાગીનાની ઠગાઈ
જીગર નાયક, નવસારીઃ જિલ્લાના ખેરગામમાં એક મહિલાએ ડેપ્યૂટી કલેક્ટરની ઓળખ આપી જ્વેલર્સ સંચાલક સાથે ઠગાઈ કરતા કેસ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી ઠગબાજ મહિલા જ્વેલર્સની દુકાનમાં જઈને લાખોના દાગીનાની ખરીદી કરી તેના બદલામાં ચેક આપતી હતી.
આ ચેક જ્યારે જ્વેલર્સ સંચાલક બેંકમાં નાંખતા બેલેન્સ ન હોવાથી તે બાઉન્સ થતાં જ્વેલર્સ સંચાલકની ઊંઘ ઊડી જતી હતી અને ઠગ મહિલાને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. બસ આ જ મોડસ ઓપરેન્ડીથી સુરત બાદ નવસારીમાં પણ ઠગાઈ કરતા ખેરગામ પોલીસ મથકે વાંસદા રહેતી આ મહિલા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ઝંડા ચોક પાસે આવેલા શ્રી જલારામ જ્વેલર્સમાં 23 માર્ચના રોજ વલસાડ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી એક મહિલા જ્વેલર્સનાં શો રૂમમાં પ્રવેશે છે. ઠગબાજ મહિલા અલગ અલગ દાગીના જોઈને અંતે 2,41,300ની કિંમતનું 38.090 ગ્રામ વજન ધરાવતું સોનાનું મંગળસૂત્ર, 1,44,700ની કિંમતનું 20.650 ગ્રામ વજન ધરાવતી સોનાની ચેન, 1,30,800ની કિંમતની 18.670 ગ્રામ વજન ધરાવતી અન્ય એક સોનાની ચેન, 40,950ની કિંમતનું 5.740 ગ્રામ વજન ધરાવતું હાથનું લૂઝ, 92,500ની કિંમતનું 13.180 ગ્રામ વજનનું અન્ય એક હાથમાં પહેરવાનું લૂઝ મળીને અલગ અલગ દાગીના મળીને કુલ 6,63,750 કિંમતના દાગીનાની ખરીદી કરી બેલેન્સ વગરનો ચેક બાઉન્સ થતા જ્વેલર્સ સંચાલક અલ્પેશ પારેખે તેણી સામે ખેરગામ પોલીસ મથકે છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ આપતા કેસ નોંધાયો છે.
આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી સુરતમાં પણ તેમણે ઠગાઈ કરતા સુરત પોલીસે તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ખેરગામ પોલીસ તપાસમાં તેની જાણ થતા પોલીસ હવે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવીને આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરશે.