January 15, 2025

ચીખલીમાંથી મોટા પ્રમાણમાં એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ઝડપાયો, પોલીસે તપાસ હાથ ધરી

જિગર નાયક, નવસારીઃ જિલ્લાના ચીખલી વિસ્તારમાં આવેલી કવોરીઓમાં એક્સપ્લોઝિવ બ્લાસ્ટ કરવામાં આવે છે. ચીખલીના સુંઠવાડ ગામેથી ગેરકાયદે એકસપ્લોઝિવ રાખનારા યુવાનને નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ઝડપી પાડ્યો હતો.

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસની ટીમને ગત રોજ બાતમી મળી હતી કે, નવસારીના ચીખલી તાલુકાના સુંઠવાડ ગામે પટેલ ફળિયામાં રહેતા 34 વર્ષીય બળવંત પટેલના ઘરે એકસપ્લોઝિવનો જથ્થો મળી આવ્યો છે. જેને આધારે SOGની ટીમે સુંઠવાડ બળવંતના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા 8 જિલેટીન સ્ટિક અને 4 ડિટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો.

જિલેટીન સ્ટિક અને ડિટોનેટર કવોરી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતા હોય છે. ત્યારે ગેરકાયદેસર રાખેલા એકસપ્લોઝિવને ધ્યાને લઈ પોલીસે બળવંત પટેલની એકસપ્લોઝિવ એક્ટની ધારા હેઠળ ધરપકડ કરી હતી. આ સાથે જ ઘટનાસ્થળેથી 8 જિલેટીન સ્ટિક અને 4 ડિટોનેટર, 1 મોબાઈલ ફોન મળી કુલ 6280 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચીખલી પોલીસે બળવંત વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.