November 22, 2024

ગાંધીનગરના રૂપાલ ગામની પલ્લીને લઈ મહત્ત્વની જાણકારી

ગાંધીનગર: ગાંધીનગર પાસે આવેલ રૂપાલ ગામે માતા વરદાયીની બિરાજમાન છે અને નવરાત્રિની નોમની રાતે માતા વરદાયીનીના સાનિધ્યમાં પરંમપરાગત પલ્લી યોજાય છે. આ પલ્લીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. આ દરમિયાન અહીં માતાજીની પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિમાં 11 ઓક્ટોબરે માતાની પલ્લી રાત્રે 12 વાગ્યે ગામમાંથી નીકળશે.પલ્લીને લઈ મંદિર વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

સમાજીક એક્તાનું ઉદાહરણ એટલે રૂપાલની પલ્લી
તમને જણાવી દઈએ કે, આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસવાહિની માતાજીની પલ્લી રૂપાલ ગામના વિવિધ 27 ચોક પર ઉભી રહે છે અને પલ્લી ઉભી રહેતા ભક્તો તેના પર ઘી ચઢાવે છે. ગામના વિવિધ જાતિ-જ્ઞાતિના લોકો પલ્લીમાં જોડાય છે. ત્યાં જ વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપે છે અને સુથાર ભાઈઓ પલ્લી ઘડે છે. વાંળદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે તો કુંભાર ભાઈઓ કૂંડા છાદે છે. માળી ભાઈઓ ફુલથી શણગાર કરે છે. તો મુસ્લિમ ભાઈઓ પીજારા ભાઈઓ કૂંડામાં કપાસ પૂરે છે. માતાની પલ્લીમાં પંચોલી ભાઈઓ માતાજીના નિવેજ માટે સવા મણ ખીચડો બનાવે છે તો ચાવડા ભાઈઓ પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવાર લઈને રક્ષા કરે છે. ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરે છે. પાટીદાર ભાઈઓ પલ્લીની પૂજા આરતી કરીને પલ્લીના કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે.

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે કુલ 32 કરોડ રૂપિયાનું ઘી પલ્લી પર ચઢ્યું હતું. વર્ષોથી રૂપાલ ગામ ખાતે ચાલવતી પલ્લીની પરંપરા છે. પલ્લીના મેળામાં રૂપાલ ગામમાં ઘી ની નદીઓ વહે છે. દરરોજ 1 હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લે છે અને પલ્લીના દિવસે 10 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લે છે.