November 14, 2024

જાણો કેવી રીતે સાચવીશું રાષ્ટ્રધ્વજની શાન, આટલી વાત ખાસ યાદ રાખો

અમદાવાદઃ ભારતીય ધ્વજ સંહિતા રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને તેના ઉપયોગને લગતી સૂચનાઓ છે. આ કોડ 2002માં રજૂ કરવામાં આવ્યો હતો. ભારતનો રાષ્ટ્રધ્વજ લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. તે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. તમામના માર્ગદર્શન અને લાભ માટે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા-2002માં તમામ નિયમો, ઔપચારિકતાઓ અને સૂચનાઓને એકસાથે મૂકવામાં આવ્યા છે. 26 જાન્યુઆરી 2002થી ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાની જગ્યાએ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા-2002 લાગુ કરવામાં આવ્યો છે.

શું છે ધ્વજસંહિતાના નિયમો?

  • જ્યારે પણ ધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તેને સન્માન આપવું જોઈએ. તેને એવી જગ્યાએ ફરકાવવો જોઈએ જ્યાંથી તે સ્પષ્ટ દેખાઈ શકે.
  • રવિવાર અને અન્ય રજાના દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સરકારી ઈમારતો પર ધ્વજ ફરકાવવામાં આવે છે અને ખાસ પ્રસંગોએ તેને રાત્રે પણ લહેરાવી શકાય છે.
  • ધ્વજ હંમેશા ઉત્સાહથી ફરકાવવો જોઈએ અને ધીમે ધીમે અને આદર સાથે ઉતારવો જોઈએ. જો લહેરાવતી વખતે અને ઉતારતી કરતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે તો બ્યુગલના અવાજ સાથે જ ધ્વજ ફરકાવવામાં આવે અને ઉતારવામાં આવે તેની કાળજી લેવી જોઈએ.
  • જ્યારે ધ્વજને બારી, બાલ્કની અથવા બિલ્ડિંગની આગળના ભાગમાંથી આડો અથવા ત્રાંસો લહેરાવવામાં આવે છે, ત્યારે ધ્વજને માત્ર બ્યુગલના અવાજ સાથે જ લહેરાવવો અને નીચે ઉતારવો જોઈએ.
  • જો ધ્વજ એસેમ્બલી સ્ટેજ પર ફરકાવવામાં આવે છે તો એવી રીતે ફરકાવવો જોઈએ કે વક્તાનું મોઢું શ્રોતાઓ સામે હોય તો રાષ્ટ્રધ્વજ તેની જમણી બાજુએ હોય.
  • જો ધ્વજ અધિકારીની કાર પર લગાવવાનો હોય તો તેને આગળની બાજુએ, મધ્યમાં અથવા કારની જમણી બાજુએ લગાવવો જોઈએ.
  • ફાટેલો કે ગંદો ધ્વજ ફરકાવવામાં આવતો નથી.
  • રાષ્ટ્રીય શોકના પ્રસંગોએ જ ધ્વજ અડધી કાઠીએ ફરકે છે.
  • રાષ્ટ્રધ્વજ જ સર્વોચ્ચ ફરકી શકે છે. અન્ય કોઈ ધ્વજ રાષ્ટ્રધ્વજ કરતાં ઉંચો કે બરાબરીમાં ફરકાવી શકાતો નથી.
  • ધ્વજ પર કંઈપણ લખેલું કે છાપેલું હોવું જોઈએ નહીં.
  • જ્યારે ધ્વજ ફાટી જાય અથવા ગંદો થઈ જાય, ત્યારે તેને ખાનગીમાં સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ.

ભારતીય તિરંગાની યાત્રા
એવું માનવામાં આવે છે કે, 7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તા (હાલ કોલકાતા)ના લોઅર સર્કલ રોડ નજીક પારસી બાગાના ચોકમાં સૌપ્રથમ વખત ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજમાં લાલ, પીળી અને લીલા રંગની ત્રણ આડી પટ્ટીઓ હતી. ત્યારપછી, 1921માં સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વેંકૈયાએ ધ્વજની મૂળ ડિઝાઇનનો પ્રસ્તાવ મૂકવા માટે મહાત્મા ગાંધીને મળ્યા હતા. તે દરમિયાન તેમાં બે લાલ અને એક લીલી પટ્ટી રાખવામાં આવી હતી. બાદમાં, ઘણાં ફેરફારોમાંથી પસાર થયા પછી વર્ષ 1931માં કરાચીમાં ત્રિરંગાને ‘રાષ્ટ્રીય ધ્વજ’ તરીકે મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાની બેઠક મળી હતી. જેમાં ભારતીય ધ્વજ, જે આપણે હાલમાં જોઈએ છીએ તેને માન્યતા આપવામાં આવી હતી.