નર્મદાના દેવલીયા નજીક વંઢ ગામના પાટિયા પાસે સૂતેલા યુવકને દીપડો ખેંચી ગયો
પ્રવિણ પટવારી, તિલકવાડાઃ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં દિવસોથી દીપડાએ આતંક મચાવ્યો છે.દીપડાઓ અત્યાર સુધી તો પશુઓને શિકાર બનાવ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી હતી. પરંતુ હાલ 35 વર્ષીય યુવક પર દીપડાએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર દીપડાઓ પશુઓને શિકાર બનાવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. હાલ થોડા સમય પહેલા વાડિયા, વાસણ, કાલાઘોડા, નલિયા, સાવલી વસાહત, સંઢુંલા, તેડીયા સાહપુર સહિત અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓને શિકાર બનાવ્યા હોવાની ઘટના બની હતી. ત્યારે હાલ વધુ એક ઘટના બનતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, આ ઘટનામાં એક 35 વર્ષીય યુવક નામે અપ્પુસિંગ સેન્સિંગ રાજપૂત રાજસ્થાનના જોધપુરના પીપરલી ગામના રહેવાસી હોવાથી તેઓ રોજી રોટી કમાવવા માટે ગુજરાત આવ્યા હોય અને જમીન લેવલિંગ માટે ટ્રેકટર ચલાવવાનો વ્યવસાય કરતા હોય ત્યારે ગત રોજ રાત્રીના અપ્પુસિંગ તેમના સાથી મિત્રો સાથે દેવલીયા નજીક વંઢ ગામના પાટિયા પાસે સૂતા હતા.
રાત્રિના 3 વાગ્યે માનવભક્ષી દીપડાએ અચાનક યુવક ઉપર હુમલો કર્યો હતો અને યુવકને અંદાજિત 50 મીટર જેટલો ખેંચીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ પહેલા પણ આજ વિસ્તારમાં ઘણા પશુઓને દીપડાએ શિકાર બનાવ્યો છે. ત્યારે ખાસ કરીને વિસ્તાર એવો છે, જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને રાત-દિવસ ખેડૂતોને ખેતરમાં અવરજવર કરવી પડે છે. આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે અને જંગલ ખાતા તરફથી વહેલી તકે પાંજરા મૂકી કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે.