અનોખા પર્યાવરણ પ્રેમી, અત્યાર સુધીમાં 10 હજાર ગરબામાંથી માળા બનાવી લોકોમાં વહેંચ્યા

પ્રવિણ પટવારી, રાજપીપળાઃ નવરાત્રીમાં માઇભક્તો માતાજીના ગરબા મંદિરે મૂકી જતાં હોય છે. ત્યારે એક પર્યાવરણ પ્રેમીએ આ ગરબાથી પક્ષીઓનાં ઘર (માળો) બનાવી લોકોને મફતમાં વિતરણ કર્યું છે. આ સાથે રહેઠાણ વિસ્તારોમાં ઝાડ પર ઘરો પર માળા લગાવી સેવાનું કામ કરી રહ્યા છે.
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વ્યવસાય કરતા નીરજ પટેલ અનેક રીતે સેવાકીય કાર્ય કરતા રહે છે. છેલ્લાં પાંચ વર્ષથી માતાજીના ગરબાને પક્ષી ઘર બનાવે છે અને મફત વિતરણ કરે છે. એવા અત્યાર સુધી 10 હજાર માળા બનાવી લોકોમાં વિતરણ કરી ચૂક્યા છે. આ વર્ષે 2100 જેટલા ગરબા લાવી, જાતે કાપી અને તાર લગાવી માળા બનાવી લોકોને આપ્યા અને ઘરે ખેતરોમાં ઝાડ પર ઊંચે લગાડવામાં આવે છે. જેથી પક્ષીઓ આશરો મેળવે.
આમ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ માળા વિતરણ કરી દીધા છે. આ બાબતે નીરજ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રીના મેળા બાદ બધા માઇભક્તો માતાજીના શણગારેલા ગરબા મંદિરે છોડી જતા હોય છે. મંદિરનાં સંચાલકો દ્વારા માતાજીના આ હજારો ગરબા પધરાવવા પડે છે. આ બાબતનું મને ધ્યાન જતાં હું છેલ્લા પાંચ વર્ષથી ગરબાનો ટેમ્પો ભરી દુકાને લાવું છું. હું અને મારા મિત્રો કટરથી કાપી અને માળો બનાવી લોકોને નિઃશુલ્ક આપે છે. જેથી પક્ષીઓને ઘર મળે.