રાજપીપળામાં લગ્નમાં જમણવાર બાદ 29 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર
નર્મદાઃ રાજપીપળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ભોજન લીધા બાદ 29 જેટલા લોકોની તબિયત લથડી હતી. ટેકરા ફળિયામાં લગ્નમાં જમણવાર બાદ ઝાડા-ઉલટીની ફરિયાદ ઉઠી હતી.
હાલ 29 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા છે. ફૂડ પોઈઝનિંગની ઘટનાથી આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.
કેશોદમાં પણ ફૂડ પોઇઝનિંગની ઘટના
કેશોદ તાલુકાના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. એકસાથે 11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. મળતી માહિતી પ્રમાણે, ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ અસર થઈ હતી. ત્યારે તાત્કાલિક બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 7 બાળકોને કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો 4 બાળકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આરોગ્ય વિભાગે અન્ય બાળકોનું સ્કેનિંગ કરી વધુ તપાસ હાથ ધરી છે.