May 20, 2024

રાજપીપળામાં પણ ઉજવાય છે વ્રજ જેવી હોળી, 40 દિવસ ચાલે છે રંગોત્સવ

narmada rajpipla holi festival 40 days celebration like vraj barsana

હોળીનો ઉત્સવ 40 દિવસ પહેલાંથી જ ઉજવવાની શરૂઆત કરવામાં આવે છે

પ્રવિણ પટવારી, નર્મદાઃ કહેવાય છે કે વૃંદાવનમાં પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાંથી ઉજવાય છે. તે પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ વૃંદાવનમાં હોળી ઉજવામાં આવે છે, તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવામાં આવે છે.

રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હોળી મનાવી રહી છે અને તેનું કારણ એ જ છે કે, એક માન્યતા મુજબ કૃષ્ણએ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી. જેમાં ચોથી પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સમાજમાંથી આવતી સખી હતી. તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાંથી જ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ-ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે. જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે અને 41મો દિવસ ડોલોત્સવ તરીકે ઉજવાય છે, જે ધુળેટી તરીકે પણ પ્રખ્યાત છે.

આમ તો, હોળી રંગનો ઉત્સવ છે. પરંતુ હાલ કુદરતી રંગોનું સ્થાન કેમિકલવાળા રંગોએ લેતા હવે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ગુલાબના ફૂલોની પાંદડીનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી માનવવામાં આવે છે. જેમાં મુખ્ય તો રસિયામાં કૃષ્ણ ભક્તિનો ભાવ જ હોય છે અને સતત 40 દિવસ સુધી રાજપીપળાના વલ્લભ મંડળ, વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળની બહેનો દ્વારા કૃષ્ણ ભક્તિરૂપી રસિયા ગવાય છે. વળી આ રસિયા મૂળ તો વ્રજમાં ગવાય અને રમાય છે, પરંતુ દરેક વૈષ્ણવ વ્રજમાં જઈ શકતા નથી. તેથી ગામેગામ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આ હોળી રસિયા રમાય છે. એક માન્યતા પ્રમાણે હોળી ભક્ત પ્રહલાદની યાદમાં મનાવાય છે અને સાથે જ કૃષ્ણએ ગોપીઓ સાથે રંગોનો આ ઉત્સવ મનાવ્યો હોવાની વાત જોડાયેલી છે. વૈષ્ણવ સંપ્રદાયમાં તો રસિયા ગાઈને હોળી મનાવવાનું અનોખું મહત્વ છે. જેમાં સંપ્રદાયની તમામ મહિલાઓ એકઠી થઈ કૃષ્ણમગ્ન થઈ રસિયા ગાય છે. રસિયાએ કૃષ્ણભક્તિના હોળી ગીતો છે.

હોળીના પર્વને હજુ થોડા દિવસ બાકી છે, પરંતુ તે પહેલાં જ નર્મદા જિલ્લામાં વૈષ્ણવ સમાજની મહિલાઓ દ્વારા હોળીની ઉજવણી શરુ કરી દેવામાં આવી છે. મહિલાઓ દરરોજ અલગ અલગ સ્થળે જઈ શ્રીજી ભગવાનની પૂજા કરી ગુલાલ અને કેસૂડાના રંગથી હોળીની ઉજવણી કરી નાચગાન કરે છે અને મસ્તીમાં ઝૂમે છે. હોળીના ગીતો પણ ગાય છે. વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી ખેલે છે અને આ હોળી ખેલી કૃષ્ણભક્તિમાં લીન થઈ ધન્યતા અનુભવે છે.