June 29, 2024

સરકારી શાળાઓને શિક્ષકો અને ક્લાસરૂમની અછતને લઈને ચૈતર વસાવાનો મુખ્યમંત્રીને પત્ર

પ્રવીણ પટવારી, નર્મદા: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાળા પ્રવેશોત્સવની જગ્યાએ પહેલાં શિક્ષકો અને ઓરડાઓની ઘટ પુરી કરવા શિક્ષણ મંત્રી સહિત મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી. તેમજ શાળા પ્રવેશોત્સવ માટે તેમને મળેલા આમંત્રણ સામે જે શાળામાં ઓરડા નથી. જે શાળાઓ ફક્ત 1 શિક્ષક થી ચાલી રહી છે, આવી શાળાઓની તેઓ મુલાકાત લેશેની વાત કરી હતી.

આવતીકાલ થી ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં પણ ત્રણ દિવસ નો શાળા પ્રવેશોત્સવ શરૂ થનાર છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ખૂબ ધામ ધૂમ થી ઉજવાવાનો છે, ત્યારે દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે. શાળા પ્રવેશોત્સવ સારી શાળાઓમાં થાય છે તે અંતરિયાળ વિસ્તાર ની શાળામાં પ્રવેશોત્સવ કરવો જોઈએ, ગુજરાતમાં 1300 શાળા આદિવાસી વિસ્તારમાં એક શિક્ષક થી ચાલે છે, ગુજરાતમાં 2500 થી વધુ શાળાઓ ના ઓરડા નથી અને બાળકો ખુલ્લા આકાશ નીચે ભણે છે, નર્મદા જિલ્લાની 100 શાળાઓમાં એક જ શિક્ષક છે, આદિવાસી વિસ્તારમાં વીજળી નહિ હોવાથી સ્માર્ટક્લાસ ચાલતા નથી, સરકાર શાળા પ્રવેશોત્સવ નહિ પણ શિક્ષકો ની ભરતી કરે અને 76 હજાર શિક્ષકો ની ઘટ છે તે સરકારે વહેલી તકે ભરવી જોઇએ નહિ તો કેવી રીતે ભણશે ગુજરાત..?

સાથે સાથે શાળા પ્રવેશોત્સવ માં બાળકો ની નહિ પણ શિક્ષકો નો પ્રવેશોત્સવ સરકારે કરવો જોઈએ, ની વાત કરી હતી, બીજી બાજુ સરકારે ધારાસભ્ય તરીકે ચૈતર વાસવાને શાળા પ્રવેશોત્સવ માટે આમંત્રણ આપ્યું છે પણ એ લોકો એ રોડ બાજુ ની સારી શાળાઓ નક્કી કરી છે જેથી જે શાળા માં શિક્ષકો નથી અને જર્જરિત શાળાઓ છે ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ મુલાકાતે જશે. આ બાબતે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફ્રાન્સ રાખી હતી અને મીડિયાને ભાજપના શાળા પ્રવેશોત્સવ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

જોકે આ બાબતે ચૈતર વાસવાનું નિવેદન પાયા વગરનું છે કહીને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ નું કહેવું છે કે સારામાં સારું શિક્ષણ ગુજરાત નું છે. અને ભાજપ દ્વારા જ્યારથી શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમો થાય છે ત્યાર થી આદિવાસી વિસ્તારોમાં શાળામાં બાળકોની સંખ્યા વધી છે. પરંતુ ચૈતર વાસવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર તેમજ શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ ને પત્ર લખી સરકારી શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓની ઘટ પુરી કરવા રજુઆત કરી હતી.