September 20, 2024

નર્મદામાં મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઇવે બિસ્માર, તંત્રના પાપની પ્રજાને સજા!

પ્રવિણ પટવારી, નર્મદાઃ ચોમાસાની સિઝનમાં જાહેર માર્ગોના હાલ એટલા ખરાબ થઈ જાય છે કે કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી મૂકે છે. પરંતુ તેના કારણે જાહેર જનતાને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.

નર્મદા જિલ્લાના રાજપીપળાથી ડેડીયાપાડા તરફ જતો મુખ્ય રસ્તો મહારાષ્ટ્ર રાજ્યને જોડતો નેશનલ હાઇવે છે. આ માર્ગે હજારો લોકો અવરજવર કરતા હોય છે. જેમાં વરસાદમાં ઠેર ઠેર રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે અને ખૂબ ખરાબ થઈ જતાં લોકોની પરેશાની વધી છે.

રસ્તામાં એક તરફ મુવી પાસેનું યાલ બિતાડા ગામ પાસે નાળું ધોવાતા રસ્તો બંધ છે. ત્યારે બીજી તરફ લોકો 20 km ફેરો ફરીને જાય છે. તેવામાં પણ તેમને ભારે તકલીફ પડે છે. કારણ કે ડાયવર્ઝનવાળા રસ્તા પર પણ ઠેર ઠેર ખાડા પડ્યાં છે. ત્યારે લોકોને હવે જવું તો કયા રસ્તે જવું તે યક્ષ પ્રશ્ન છે. વહેલા રસ્તો રિપેર થાય અને ડાયવર્ઝન નવો આપી રસ્તો ચાલુ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.

નર્મદા જિલ્લામાં હજુ જોઈએ એટલો વરસાદ નથી પડ્યો. પરંતુ એ પહેલાં જ નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને તંત્રની પોલ ખુલી ગઈ છે, તે દેખાઈ રહ્યું છે. રસ્તામાં અનેક જગ્યાએ ખાડા પડેલા છે. રાજપીપળાથી ડેડીયાપાડા એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર તરફ જવાનો આ રસ્તો છે. આ રસ્તા પરથી સ્થાનિક લોકો સહિત બે રાજ્યને જોડતા વાહનોને સ્થાનિકો જતા હોય છે.

રાજપીપળાથી મુવી તરફ જવાના રસ્તા પર ગત વર્ષે જ 2 કરોડના ખર્ચે રિપેર કરવામાં આવ્યો હતો અને હાલ પણ રિસરફેસિંગની કામગીરી ચાલુ છે. પરંતુ ઠેર ખાડા પડેલા છે. ખાડા પૂરવાની કામગીરી પણ મંદ ગતિએ ચાલી રહી છે. સ્થાનિક લોકો સ્ટુડન્ટ અને નોકરિયાત વર્ગ પણ ખૂબ મુશ્કેલી વેઠી રહ્યા છે. ફોર વ્હીલર વાહનોથી લઈને ટુ-વ્હીલરચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. રસ્તાની બિસ્માર હાલત છે, તેના કારણે મોટરસાયકલ કે કાર લઈને જતા લોકોને ભારે તકલીફ પડી રહી છે.