નર્મદાની મોહન નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ, નોકરિયાતો-વિદ્યાર્થીઓ અટવાયાં
નર્મદાઃ ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે વહેતી મોહન નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવો બનાવવામાં આવેલો મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
નદીમાં પૂરની સ્થિતિને કારણે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા નથી. ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સર્જાય છે.
નર્મદા જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. ત્યારે નાંદોદ તાલુકાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદને પગલે સમગ્ર ગામ જળમગ્ન થઈ ગયું હોય તેવી સ્થિતિ થઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.
ગામમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાતા મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં રહેલી ગાડીઓ તણાઈ ગઈ છે. બેટમાં ફેરવાતા અન્ય ગામ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
ગામવાસીઓનાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગામમાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે ઘરમાં પડેલું અનાજ સહિત દુકાનમાં રહેલો સામાન પણ બગડી ગયો છે.વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે.
ગ્રામજનોની વળતર આપવાની માગ
લાછરસમાં ભારે વરસાદ પડતા ગામલોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ધારાસભ્ય સહિત ઉચ્ચ અધિકારીઓ લાછરસ ગામમાં પહોંચ્યા હતા અને ગ્રામજનોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગામના 50થી વધુ ઘરમાં પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા અને લોકોને થયેલા નુકસાનનું વળતર આપવા ગ્રામજનોએ માગ કરી છે.