નર્મદામાંથી નકલી આવકના દાખલા કઢાવવાનું કૌભાંડ ઝડપાયું, RTEના 29 એડમિશન રદ

પ્રવિણ પટવારી, નર્મદાઃ નકલી સર્ટીફિકેટ બાદ હવે નર્મદાના ભચરવાડામાં નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. નર્મદા જિલ્લાની મંજૂર કરાયેલી 537 અરજીમાંથી 47 શંકાસ્પદ નીકળી હતી. આવકના ખોટા દાખલાથી RTE હેઠળ લીધેલા 29 પ્રવેશ રદ કરવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા ઓનલાઇન પોર્ટલ પર 637 અરજી નોંધાઈ હતી. જેમાંથી 537 અરજી મંજૂર કરી છે. પ્રથમ રાઉન્ડમાં 305 વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો હતો. પરંતુ પ્રથમ રાઉન્ડમાં જિલ્લા કક્ષાએ માન્ય કરાયેલી અરજીઓમાં 50 હજારથી ઓછી આવક ધરાવતા આવકના શંકાસ્પદ દાખલાઓની ખરાઈ કરાવી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે અને જિલ્લા RTE કન્વિનર કલમ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીએ RTEનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં ફી ભરવી ન પડે એટલે સારી આવકવાળા પણ પડાપડી કરે છે. જો કે, આ બાબતે અધિકારીને 146 દાખલાની ખરાઈ કરવા આપતા 47 દાખલા ખોટા નીકળ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા 305 વિદ્યાર્થીમાંથી 29 પ્રવેશ બોગસ દાખલાને કારણે રદ કરવાની ફરજ પડી છે. હવે આ 29 લોકોના દાખલાનો સાંધો જો દર્પણ પટેલ સાથે મળતો હશે તો વધુ 29 લોકો સામે કાર્યવાહી નક્કી છે.
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ જણાવ્યું હતું કે, ગાંધીનગર નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી ખાતેથી 50 હજારથી નીચી આવક ધરાવતા આવકના દાખલાની ખરાઈ માટે જણાવતાં ખોટા આવકના દાખલા રજૂ કરનારા અરજદારો ધ્યાને આવતા 29 સામે કાર્યવાહી કરી છે. જો કે, રાજપીપળા પોલીસ ઇસ્પેક્ટર ગઢવીએ આ તમામ બાબતે ભચરવાડામાં રહેતા દર્પણ પટેલના ઘરે જઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ માત્ર આવકના દાખલાનું હજુ પણ એવા કેટલા દાખલા બનાવ્યા છે જે તરફ પોલીસ તપાસ કરી રહી છે.