આદિવાસીએ વાંસમાંથી બનાવેલી અનેક કલાત્મક ચીજવસ્તુઓની બજારમાં માગ

પ્રવિણ પટવારી, નર્મદાઃ જિલ્લાના હર્યાભર્યા જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસના જંગલો આવેલા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસવનો આવેલા છે. વાંસ આદિવાસીઓની સંસ્કૃતિ ગણાય છે. વાંસ ઉર્ફે બામ્બુ નર્મદા જિલ્લાની આદિવાસી સંસ્કૃતિના જીવન સાથે વણાયેલું છે.

આદિવાસીઓ જંગલમાંથી વાંસ કાપીને લાવે છે. એમાંથી કલાત્મક ચીજો… જેવી કે, ટોપલા, કરંડિયા, એફિલ ટાવર, પેન, સ્ટેન્ડ, ટોપલી, ટ્રે, ફોટોફ્રેમ, લેમ્પ, અન્ય વાંસના કલાત્મક રમકડાંઓ બનાવી વેચાણ કરી સારી એવી રોજગારી મેળવે છે.

પહેલાં લગ્નનો મંડપ હોય કે નેતાના ભાષણમાં માટે મંચ તૈયાર કરવાના હોય… તેમાં વાંસ જ વપરાય. આપણે ત્યાં વાંસનો સૌથી વધુ ઉપયોગ ઘર બાંધવામાં તથા મકાનો માટેની પાલખ ઊભી કરવામાં થાય છે. ડેડીયાપાડાના દેવમોગરાના મેળામાં વાંસ પર નભતી આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીઓની કલાત્મક સંસ્કૃતિના શુભગ દર્શન જોવા મળ્યા છે.

જંગલની પેદાશ વાંસમાંથી કલાત્મક ચીજ વસ્તુઓ બનાવી સારી એવી રોજગારી આદિવાસીઓ મેળવી રહ્યાં છે. આજે નર્મદામાં ઓછું ભણેલા આદિવાસીમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને કલાની અનોખી સૂઝ જોવા મળી છે. અહીંના આદિવાસી યુવાનોએ ટેક્નોલોજીનો ઉપયોગ કરી વર્કિંગ મોડેલ બનાવતા આદિવાસી કારીગરોએ પંખાથી ચાલતો વાંસનો પાણીનો પમ્પ બનાવ્યાં છે.

આ ઉપરાંત વાંસમાંથી બનાવી લાવેલા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ, ખાંડણીયું, માછલી પકડવાનું યંત્ર, લાકડા કાપતું યંત્ર, ઓલ ઇન વન જેવા વર્કિંગ મોડેલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 500થી 3000 રૂપિયામાં વાંસની કલાત્મક ચીજવસ્તુઓ વેચી આદિવાસીઓ સારી એવી રોજગારી મેળવી રહ્યા છે.