January 19, 2025

Narendra Modiએ મહાત્મા ગાંધી-અટલજી સહિત શહીદોને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચશે. આ પહેલાં નરેન્દ્ર મોદી સવારે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ વોર મેમોરિયલ ગયા હતા અને ત્યાં શહીદોને સલામી આપી હતી.

ત્રીજીવાર વડાપ્રધાન બનનારા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી તેઓ બીજા અને પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહમાં મોદીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. મોદીની સાથે મંત્રી પરિષદના સભ્યો પણ શપથ લેશે. સાત રાષ્ટ્રોના સરકારના વડાઓ, અનેક દેશોના રાજદૂતો-ઉચ્ચાયુક્તો, દેશના વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ સહિત લગભગ આઠ હજાર લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.

અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ મંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે. ત્યારે શિવરાજસિંહ ચૌહાણ, બસવરાજ બોમાઈ, મનોહર લાલ અને સર્બાનંદ સોનોવાલ જેવા લોકસભાની ચૂંટણીમાં જીત મેળવનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને પણ પ્રધાનપદના પ્રબળ દાવેદારોમાં ગણવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના રામમોહન નાયડુ, જેડીયુના લલન સિંહ, સંજય ઝા અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન એ સાથી પક્ષોમાં સામેલ છે, જેઓ નવી સરકારનો ભાગ બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીડીપીના ત્રણ, જેડીયુના બે અને અન્ય સહયોગી પક્ષોના એક-એક મંત્રી શપથ લઈ શકે છે.