November 26, 2024

PMના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી મહેમાનો સહિત ડ્રોન દીદી-સ્વચ્છતા કાર્યકરોને આમંત્રણ

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી 9મી જૂને ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન તરીકે શપથ લેશે. વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ હશે. જ્યાં એક તરફ વિશ્વભરના ટોચના નેતાઓ આ સમારોહમાં ભાગ લેશે, તો બીજી તરફ સ્વચ્છતા કાર્યકરો, ટ્રાન્સજેન્ડર અને મજૂરો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વના ઘણા ટોચના નેતાઓ હાજરી આપી શકે છે. ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓને ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

આમંત્રણ સ્વીકારનારા લોકોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈજ્જુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફિફ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પા કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે સામેલ છે. આ તમામ નેતાઓએ વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ સ્વીકાર્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા સિવાય આ તમામ નેતાઓ તે જ દિવસે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં સામેલ થશે.

માલદીવના રાષ્ટ્રપતિ પણ ભારત આવશે. જો કે, હજુ સુધી માલદીવ સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. બુધવારે માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ પણ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુઈજ્જુને ચીન તરફી માનવામાં આવે છે અને જો તેઓ ભારત આવે છે તો રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ બન્યા બાદ મોહમ્મદ મુઇજ્જુ તુર્કી અને ચીનની મુલાકાતે ગયા હતા.

વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સફાઈ કામદારો, મજૂરો, ટ્રાન્સજેન્ડરો, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને વિકસિત ભારતના રાજદૂતો વિશેષ અતિથિ હશે. રવિવારે નરેન્દ્ર મોદી લગભગ આઠ હજાર મહેમાનોની હાજરીમાં બિન-કોંગ્રેસી નેતા તરીકે સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈને ઈતિહાસ રચશે. પીએમ રવિવારે સાંજે 6 વાગ્યે શપથ લેશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, નેપાળ, માલદીવ, મોરેશિયસ અને સેશેલ્સના સરકારના વડાઓ આ સમારોહમાં હાજરી આપવા માટે સંમત થયા છે. શપથ ગ્રહણ સમારોહમાં ડઝનબંધ દેશોના રાજદૂતો અને ઉચ્ચાયુક્તો પણ ભાગ લેશે. આ ઉપરાંત ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓને પણ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા કાર્યક્રમ માટે ડ્રોન દીદી સહિત પણ આઠ હજાર મહેમાનોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરો, સ્વચ્છતા કાર્યકરો, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ, વિકસિત ભારતના રાજદૂતો અને ડ્રોન દીદીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. મહેમાનોનું આગમન શનિવારથી શરૂ થશે. સમારોહ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મહેમાનો અને સ્થળ ટ્રિપલ સિક્યુરિટી કોર્ડન હેઠળ રહેશે. ગુરુવારથી રાષ્ટ્રપતિ ભવન આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહેલા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં એશિયાની પ્રથમ લોકો પાઈલટ સુરેખા યાદવ પણ હાજરી આપશે. મધ્ય રેલવેએ શુક્રવારે આ જાણકારી આપી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-સોલાપુરથી વંદે ભારત ટ્રેનનું સંચાલન કરતી સુરેખા યાદવ 9 જૂને નવી દિલ્હીમાં યોજાનારા સમારોહ માટે આમંત્રિત કરાયેલા દસ લોકો પાઇલટ્સમાંથી એક છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.