January 7, 2025

Narendra Modi 9મી જૂને વડાપ્રધાન પદના શપથ લેશે, મંત્રી-MLAને આમંત્રણ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ત્યારે આગામી 9મી જૂને સાંજે 7.15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનો શપથવિધિ કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે શપથ સમારોહમાં ધારાસભ્ય અને મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના ભાજપના ધારાસભ્યોને પણ શપથવિધિ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિએ સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કાર્યકારી વડાપ્રધાનને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. કાર્યકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રીતે NDAના નેતા નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ NDAની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં NDAના તમામ પક્ષો હાજર રહ્યા હતા. આ ઉપરાંત તમામ સાંસદોએ પણ હાજરી આપી હતી. તેમાં નરેન્દ્ર મોદીને ત્રીજીવાર સરકાર બનાવવા માટે સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બહુમતીને આધારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકાર બનાવવા માટે આમંત્રણ પાઠવ્યુ હતુ અને ટૂંક સમયમાં શપથવિધિ યોજવાનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચોઃ રાયસીના હિલ પરથી નરેન્દ્ર મોદીનું સંબોધન – આપણે સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા

આપણે સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઃ નરેન્દ્ર મોદી
સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે આ દરમિયાન કહ્યુ કે, ‘18મી લોકસભા નવી ઉર્જા, યુવા ઉર્જા અને કંઈક હાંસલ કરવાના ઈરાદા સાથેની લોકસભા છે. આઝાદીના અમૃત મહોત્સવ પછી આ પ્રથમ ચૂંટણી છે. 2047માં જ્યારે દેશ આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવશે, ત્યારે અમારી પાસે તે સંકલ્પને પૂર્ણ કરવાની સુવર્ણ તક છે. દેશવાસીઓએ ફરી એકવાર NDAને સેવા કરવાની તક આપી છે, જેના માટે તેમનો આભાર વ્યક્ત કરું છું.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ જે ગતિએ આગળ વધ્યો છે, સમાજના દરેક ક્ષેત્રમાં પરિવર્તન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. 25 કરોડ લોકોનું ગરીબીમાંથી બહાર આવવું એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. તેમણે ખાતરી આપી હતી કે, 18મી લોકસભામાં પણ એ જ ગતિ અને સમર્પણ સાથે અમે દેશની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, એનડીએની બેઠકમાં તમામ ઘટક પક્ષોએ મને નેતા તરીકે પસંદ કર્યો છે. તમામ પક્ષોએ રાષ્ટ્રપતિને તેમના સમર્થનની જાણકારી આપી હતી. રાષ્ટ્રપતિએ મને આમંત્રણ આપ્યું. 9 જૂનના રોજ સાંજે શપથ ગ્રહણ અંગે માહિતી આપી હતી. શપથગ્રહણનો વિગતવાર કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનથી જાહેર કરવામાં આવશે.

મોદીએ કહ્યું કે, તેમના કાર્યકાળના છેલ્લા 10 વર્ષમાં ભારત વિશ્વબંધુ તરીકે ઉભરી આવ્યું છે. હવે અમને તેનો મહત્તમ લાભ મળવા લાગ્યો છે. મને વિશ્વાસ છે કે આવનારા 5 વર્ષ વૈશ્વિક વાતાવરણમાં પણ ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. વિશ્વમાં અનેક સંકટ, અનેક તણાવ, આફતોમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે ભારતીયો ભાગ્યશાળી છીએ કે, આટલો મોટો સંકટ હોવા છતાં આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાઈએ છીએ. વિકાસ માટે વિશ્વમાં આપણા વખાણ પણ થઈ રહ્યા છે.