છેલ્લા પાંચ વર્ષમાં રિફોર્મ, પર્ફોર્મ અને પછી ટ્રાન્સફોર્મ..: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે રામ મંદિર પર ધન્યવાદ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેના પર બધા નેતાઓએ ભાષણ આપ્યું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ભાષણ આપી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાને કહ્યુ કે, દેશમાં રિફોર્, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ બહુ ઓછું થાય છે. અમે બહુ ઓછું જોયું છે કે, રિફોર્મ થયું હોય, પરફોર્મ થયું હોય અને ટ્રાન્સફોર્મ થતા પણ નજર સામે જોયું હોય. 17મી લોકસભાના માધ્મયથી આજે દેશે આ અનુભવ કર્યો. મને વિશ્વાસ છે કે, દેશવાસીઓ 17મી લોકસભામાં જરૂર આશિર્વાદ આપતા હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી LIVE:
– સંસદના નેતા અને એક સહયોગી સ્વરૂપે તમને ધન્યવાદ. અધ્યક્ષ મહોદય તમને ધન્યવાદ. તમારા મોઢા પર હંમેશા મુસ્કાન હોય છે. તમે દરેક સ્થિતિને ધૈર્ય અને સ્વતંત્રતા સાથે પાર પાડી છે. આ પાંચ વર્ષોમાં માનવતા આખી સદીની સૌથી મોટી મુશ્કેલી સામે બાથ ભરી હતી. સંસદમાં આવવું એક મુશ્કેલી હતી. અધ્યક્ષ મહોદય, તમે સુનિશ્ચિત કર્યું કે તમામ પ્રયત્નો કરવામાં આવે અને દેશનું કામ પણ ન અટકે.
– હું સંકટના એ સમયમાં પોતાનું પગાર-ભથ્થું છોડનારા એ દરેક સાંસદને વખાણું છું. કોઇએ બીજીવાર વિચાર પણ ન કર્યો. કોરોના કાળ દરમિયાન સાંસદોએ લોકોને સંદેશો આપતા પગાર-ભથ્થામાં 30 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો. મીડિયા સામાન્ય રીતે તેમના લાભ માટે સાંસદોની ટીકા કરે છે. ત્યારે તમે નક્કી કર્યું કે, એમપી કેન્ટિનમાં દરેક વ્યક્તિએ બહાર જેટલા જ રૂપિયા આપવા પડશે. તમે અમારો મજાક બનતો અટકાવ્યો હતો.
– સંસદનું નવું ભવન કેવું હોવું જોઈએ, તેની ચર્ચા બધાએ કરી હતી, સામુહિક રીતે કરી હતી, પરંતુ નિર્ણય નહોતો લેવાતો. આ તમારું નેતૃત્વ છે જેણે નિર્ણય કર્યો અને તેનું પરિણામ છે કે, આજે દેશને નવું સંસદ ભવન મળ્યું છે. એક સંસદના નવા ભવનમાં એક વિરાસતનો અંશ અને આઝાદીની પહેલી ક્ષણ હતી, તેને જીવંત રાખવાનું હંમેશા હંમેશા અમારા માર્ગદર્શનક રૂપે સેંગોલને અહીં સ્થાપિત કરવાનું કામ કર્યું છે.
– આ સમયગાળા દરમિયાન જી20ની અધ્યક્ષતા ભારતને મળી. ભારતને બહુ સન્માન મળ્યું. દેશના દરેક રાજ્યને પોતપોતાની રીતે વિશ્વની સામે ભારતનું સામર્થ્ય અને પોતાના રાજ્યની ઓળખાણ બહુ સારી રીતે પ્રસ્તુત કરી, તેનો પ્રભાવ આજે પણ વૈશ્વિક મંચ પર છે.
– ડિજિટલાઇઝેશન પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આધુનિક ટેક્નિકની બધાને ટેવ પડી ગઈ છે. આ સ્થાઇ વ્યવસ્થા બનાવી છે. સંયુક્ત પ્રયાસને કારણે 17મી લોકસભાની પ્રોડક્ટિવિટી અંદાજે 97 ટકા થઈ ગઈ છે. આ ખુશખબર છે. પરંતુ મને વિશ્વાસ છે કે, આજે જ્યારે 17મી લોકસભાની પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે એક સંકલ્પ લઈને 18મી લોકસભાની શરૂઆત થશે કે અમે હંમેશા સો ટકાથી વધુ પ્રોક્ટિવિટીવાળી કેપેસિટી રાખીએ.
– નવા નવા બેન્ચમાર્ક 17મી લોકસભામાં બન્યા છે. આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં સંસદે અનેક મહત્વપૂર્ણ કામોનું નેતૃત્વ કર્યું. આઝાદીના 75 વર્ષની સમગ્ર દેશે રાજીખુશીથી ઉજવણી કરી. તેમાં આપણા માનનીય સાંસદો અને દેશની સદનની બહુ મોટી ભૂમિકા રહી છે.
– આ કાર્યકાળમાં બહુ રિફોર્મ થયા અને ગેમચેન્જિંગ પોઇન્ટ રહ્યા છે. 21મી સદીનો મજબૂત પાયો તે બધામાં જોવા મળે છે. એક મોટા બદલાવ તરફ બહુ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ. તેમાં પણ સંસદના તમામ સાથીદારોએ બહુ સારું માર્ગદર્શન આપ્યું છે. અમે સંતોષ સાથે કહી શકીએ છીએ કે, અમારી અનેક પેઢી જે વાતોની રાહ જોતી હતી, તેવાં અનેક કામ 17મી લોકસભાના માધ્યમથી પૂરા થયા છે. પેઢીઓની રાહ પૂરી થઈ ગઈ છે. અનેક પેઢીઓએ એક સંવિધાનનું સપનું જોયું હતું. પરંતુ દરેક ક્ષણે તે સંવિધાનમાં એક તિરાડ પડતી દેખાઈ હતી. એક ખાઈ દેખાતી હતી. પરંતુ સંસદે આર્ટિકલ 370 હટાવીને સંવિધાનને પૂર્ણરૂપે પૂર્ણપ્રકાશ સાથે પ્રગતિકરણ કરાવ્યું. જે જે મહાપુરુષોએ સંવિધાન બનાવ્યું છે, તેમની આત્મા અમને આશિર્વાદ આપતી હશે.
– આતંકવાદ માથે ચડીને દેશની છાતીમાં ગોળીઓ ચલાવતો હતો. મા ભારતીની ધરા વારંવાર રક્તરંજિત બનતી હતી. દેશના અનેક વીર, નિર્દોષ લોકો આતંકવાદને કારણે બલિએ ચડતા હતા. અમે આતંકવાદ વિરુદ્ધ સખત કાયદા બનાવ્યાં. આ સદને બનાવ્યાં. મને વિશ્વાસ છે કે, તેના કારણે જે લોકો સમસ્યા સામે ઝઝૂમતા હતા, તેમને એક બળ મળ્યું. ભારતને પૂર્ણરૂપે આતંકવાદથી મુક્તિનો અહેસાસ થઈ રહ્યો છે અને આ સપનું પણ સિદ્ધ થઈને રહેશે.
– આપણે 75 વર્ષ સુધી અંગ્રેજોની આપેલી દંડસંહિતામાં જીવતા હતા. અમે ગર્વથી નવી પેઢીને કહી શકીશું કે, દેશના 75 વર્ષ ભલે દંડસંહિતામાં જીવ્યા, પરંતુ આવનારી પેઢી ન્યાયસંહિતામાં જીવશે.
– નવા સંસદ ભવનની ભવ્યતા તો છે, પરંતુ તેનો પ્રારંભ એક એવાં કામથી થયો છે, જે ભારતના મૂળભૂત માન્યતાઓને બળ આપે છે અને તે નારી શક્તિ વંદન અધિનિયમ છે. જ્યારે પણ આ નવી સંસદમાં ચર્ચા થશે, તો નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ થશે. આ નવી સંસદની પવિત્રતાનો અહેસાસ તે ક્ષણેથી જ થવા લાગ્યો હતો. આ અમને એક નવી શક્તિ આપનારું છે અને તેનું પરિણામ એ છે કે, આવનારા સમયમાં બહુ મોટી માત્રામાં સંસદમાં દેશની માતા-બહેનો બેસેલી હશે.
– ત્રિપલ તલાક મામલે બોલતા મોદીએ કહ્યુ કે, કેટલાય ચડાવ-ઉતાર પછી અમારી મુસ્લિમ બહેનો રાહ જોતી હતી. અદાલતોએ તેમના પક્ષમાં નિર્ણય આપ્યો, પરંતુ તેમને તે હક મળતો નહોતો. મુશ્કેલીથી સમય કાઢતા હતા. પરંતુ ત્રિપલ તલાકથી મુક્તિ બહુ મહત્વપૂર્ણ અને નારી શક્તિના સન્માનનું કામ 17મી લોકસભાએ કર્યું છે. તમામ માનનીય સાંસદ, તેમના વિચાર, તેમનો નિર્ણય ગમે તે રહ્યો હોય, ક્યારેક તો કહેશે કે આ દીકરીઓને ન્યાય આપવાનું કામ અમે કર્યું છે.
– આવનારા 25 વર્ષ આપણા દેશ માટે બહુ મહત્વપૂર્ણ છે. રાજનીતિની ગરમાગરમી તેની જગ્યાએ છે. પરંતુ દેશની અપેક્ષા, દેશનું સપનું, દેશનો સંકલ્પ બની ગયું છે. 25 સાલ એ છે કે જે દેશ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરતો રહેશે. 1930માં જ્યારે મહાત્મા ગાંધીએ દાંડીયાત્રાના માધ્યમથી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, જાહેરાત થતાં પહેલાં લોકોમાં સામર્થ્ય દેખાતું નહોતું. ત્યારે એ ઘટનાઓ નાની લાગતી હતી, પરંતુ 1947 સુધી તે 25 વર્ષનો સમયગાળો હતો, તેમણે દેશમાં જુસ્સો પેદા કર્યો હતો કે હવે તો આઝાદ થઈશું જ. હું આજે જોઈ રહ્યો છું કે, દેશવાસીઓમાં તે જુસ્સો પેદા થયો છે. દરેક ગલી-મહોલ્લામાં દરેક બાળકના મોંમાથી નીકળી રહ્યું છે કે, 25 વર્ષમાં અમે વિકસિત ભારત બનાવીને રહીશું. તેથી 25 વર્ષ દેશની પેઢી માટે મહત્વપૂર્ણ સમયગાળો છે.