March 17, 2025

PM મોદીએ પોડકાસ્ટમાં સંભળાવ્યો રસપ્રદ કિસ્સો – મારી પાસે બુટ નહોતા તો…

Narendra Modi Exclusive Podcast: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં તેમના જીવનના શરૂઆતના દિવસોની ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, મારું જીવન અત્યંત ગરીબીમાં વિત્યું, પણ અમને ક્યારેય ગરીબીનો બોજ લાગ્યો નથી. કારણ કે જે વ્યક્તિ સારા જૂતા પહેરે છે, જો તેની પાસે જૂતા ન હોય તો તેને લાગે છે કે આ એક ઉણપ છે, પરંતુ મેં મારા જીવનમાં ક્યારેય જૂતા પહેર્યા નહોતા. મને એટલી નહોતી ખબર હતી કે, જૂતા પહેરવા પણ એક મોટી વાત છે. હું સરખામણી કરવાની સ્થિતિમાં પણ નહોતો, મારી માતાએ ખૂબ મહેનત કરી હતી. મારા પિતા ખૂબ મહેનત કરતા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, મારા પિતા ખૂબ જ શિસ્તબદ્ધ હતા, તેઓ દરરોજ સવારે લગભગ 4 કે 4:30 વાગ્યે ઘરેથી નીકળતા, લાંબા અંતરની મુસાફરી કરતા અને ઘણા મંદિરોમાં જતા અને પછી તેમની દુકાને પહોંચતા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મારા પિતા પરંપરાગત ચામડાનાં જૂતા પહેરતા હતા, જે ગામમાં હાથથી બનાવેલા હતા. આ ખૂબ જ કઠણ હતા, ચાલતી વખતે તે જૂતામાંથી ટક ટક અવાજ આવતો હતો. જ્યારે મારા પિતા દુકાને જતા હતા, ત્યારે ગામના લોકો કહેતા હતા કે તેમના પગલાંનો અવાજ સાંભળીને જ સમયનો અંદાજ લગાવી શકીએ છીએ કે હા, દામોદરભાઈ જઈ રહ્યા છે. તે મોડી રાત સુધી થાક્યા વિના કામ કરતા હતા, આવી તેની શિસ્ત હતી.

પીએમ મોદીએ કહ્યું કે, મારી માતા પણ કામ કરતી હતી, જેથી ઘરમાં અમને કોઈ મુશ્કેલી ન પડે. આ બઘું હોવા છતાં ગરીબીમાં જીવવાના આ સંજોગોનો અમારા મન પર ક્યારેય નકારાત્મક પ્રભાવ પડ્યો નહીં. તેમણે કહ્યું કે, જ્યારે હું મારા પરિવાર વિશે વાત કરું છું, ત્યારે મારા પિતા, માતા, અમે ભાઈ-બહેન, મારા કાકા-કાકી, દાદા-દાદી બધા જ સાથે રહેતા હતા. અમે ખૂબ જ નાના ઘરમાં રહેતા હતા, કદાચ આ જગ્યા જ્યાં આપણે આજે પોડકાસ્ટ માટે બેઠાં છીએ તે તેની સામે ખૂબ મોટી છે. મારા ઘરમાં બારી સુદ્ધાં નહોતી.

વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, મને યાદ છે કે શાળામાં ક્યારેય મારા જૂતા પહેરવાનો પ્રશ્ન જ નહોતો. એક દિવસ હું શાળાએ જઈ રહ્યો હતો અને રસ્તામાં મને મારા મામા મળ્યા. તેણે કહ્યું, ‘અરે! તું આ રીતે શાળાએ જાય છે, તારી પાસે જૂતા નથી.’ તો તે સમયે તેમણે કેનવાસ શૂઝ ખરીદ્યા અને મને પહેરાવ્યા હતા. તે સમયે તેની કિંમત 10-12 રૂપિયા હશે. તે જૂતા કેનવાસના બનેલા હતા અને તેના પર ડાઘ પડી જતા હતા. તેથી શાળા પૂરી થાય ત્યારે હું ત્યાંથી જતો નહીં, શિક્ષક ચોક વાપરે તેના ટુકડાં ભેગા કરીને ઘરે લાવતો. પછી તેને પલાળી રાખતો, તેનો બુટ પોલિશ તરીકે ઉપયોગ કરતો હતો. તેને કેનવાસ શૂઝ પર લગાવીને ફરીથી ચમકાવતો હતો. તે મારા માટે એક સંપત્તિ સમાન હતું.’