January 18, 2025

Modi કેબિનેટ 3.0ની ચાય પે ચર્ચા, આગામી 100 દિવસનો પ્લાન આપવા આદેશ

નવી દિલ્હીઃ મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનનું પ્રાંગણ ત્રીજી વખત મોદીના શપથગ્રહણનું સાક્ષી બનશે. આ સાથે મોદી સતત ત્રણ વખત પીએમ તરીકે શપથ લેવાના પંડિત નેહરુના રેકોર્ડની બરાબરી કરશે. આ કાર્યક્રમ માટે વિદેશી નેતાઓ પણ દિલ્હી આવ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીના ઘરે NDA નેતાઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન તેમણે સંભવિત મંત્રીઓને મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ સમયસર પૂરા થવા જોઈએ.

શપથ ગ્રહણ સમારોહ પહેલાં આજે ચા પર ભાજપના નેતાઓને વડાપ્રધાન મોદી મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓને શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જમીન પર 100-દિવસના રોડમેપને અમલમાં મૂકવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ સમયસર પ્રોજેક્ટ પૂરા કરવા જોઈએ.

આ પણ વાંચોઃ BJPના સિનિયર નેતા સહિત સાથી પક્ષમાંથી એક-એક વ્યક્તિ શપથ લેશે

ઉલ્લેખનીય છે કે, કેબિનેટની રચના પહેલા પીએમ મોદી દર વખતે ચા પર બીજેપી નેતાઓને મળે છે. વર્ષ 2014માં પણ આવી જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓને કહ્યું કે, તમે બધા સરકાર પર ધ્યાન આપો અને પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થાય તેની ખાતરી કરો.

આ પણ વાંચોઃ ગુજરાતમાંથી આ ચાર સાંસદ મંત્રીપદના શપથ લેશે, શાહ-માંડવિયા રિપિટ

કેન્દ્રીય મંત્રીમંડળમાં મનોહર લાલ, શિવરાજસિંહ ચૌહાણ, બંદી સંજય કુમાર અને રવનીત સિંહ બિટ્ટુ સહિત ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે. અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ અને મનસુખ માંડવિયા જેવા વરિષ્ઠ નેતાઓ પણ તેમના હોદ્દા જાળવી રાખે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીનાં નામે અનેક રેકોર્ડ્સ, શપથ લીધા પછી રચાશે નવો ઇતિહાસ

શિવસેનાના પ્રતાપરાવ જાધવ, ભાજપના સીઆર પાટીલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાવ ઈન્દ્રજીત સિંહ, નિત્યાનંદ રાય, ભગીરથ ચૌધરી અને હર્ષ મલ્હોત્રાને પણ સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય બીજેપીના જિતિન પ્રસાદ અને રક્ષા ખડસે પણ નવી સરકારમાં સામેલ થાય તેવી આશા છે. નિર્મલા સીતારમણ, સર્બાનંદ સોનોવાલ અને કિરેન રિજિજુ પણ શપથ લેશે. તો બીજી તરફ, ચિરાગ પાસવાન, એચડી કુમારસ્વામી, અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરી અને જીતન રામ માંઝી જેવા સાથીદારોને મંત્રી પદ મળવાની સંભાવના છે.