December 18, 2024

મહારાષ્ટ્રના ડે. સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ, પરંતુ…..

Mumbai Deputy Speaker News: મહારાષ્ટ્રના NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, મંત્રાલયમાં લગાવવામાં આવેલી સેફટી નેટમાં ફસાઈ જવાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે.

મહત્વનું છે કે નરહરિ ઝિરવાલ એનસીપીના ધારાસભ્ય છે. આ ઘટના શુક્રવારે બની હતી, જ્યારે ધનગર સમુદાયને ST ક્વોટામાં અનામત આપવાના વિરોધમાં ઝિરવાલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, મંત્રાલયમાં સેફટી નેટ હોવાથી તેઓ નેટ પર પડ્યા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. જો કે ધનગર સમાજની આ માંગનો આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે પણ ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સમાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

વાસ્તવમાં, મંત્રાલયમાં શુક્રવારે આદિવાસી ધારાસભ્યો ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિ ક્વોટામાં અનામત આપવાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા ઝિરવાલે ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. બાદમાં, કેટલાક અન્ય ધારાસભ્યો પણ સૂત્રોચ્ચાર કરતા સુરક્ષા જાળ પર કૂદી પઆદ્યા હતા. હંગામો વધતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા ધારાસભ્યોને સુરક્ષા જાળમાંથી નીચે ઉતાર્યા હતા.