નાયબ સિંહ સૈની હરિયાણાના CM પદેથી આપશે રાજીનામું?, વિધાનસભા થશે ભંગ!
Nayab Singh Saini Resign: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે નામાંકન વચ્ચે આજે મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ કેબિનેટની બેઠક બોલાવી હતી. કેબિનેટની બેઠકમાં વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લેવાયો હતો. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા CM નાયબ સિંહ સૈની પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. CM નાયબ સિંહ સૈનીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં હરિયાણા વિધાનસભા ભંગ કરવાની ભલામણ હવે રાજ્યપાલને મોકલવામાં આવશે. હરિયાણામાં સંપૂર્ણ બહુમતીની સરકાર હોવાથી રાજ્યપાલ આ ભલામણ સ્વીકારશે. વિધાનસભા ભંગ થયા બાદ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી નાયબ સિંહ સૈની હરિયાણાના કાર્યવાહક મુખ્યમંત્રી રહેશે.
શું છે બંધારણીય નિયમો?
નોંધનીય છે કે, હરિયાણા વિધાનસભાનું છેલ્લું સત્ર 13 માર્ચે બોલાવવામાં આવ્યું હતું, જેમાં સીએમ સૈનીએ વિશ્વાસ મત જીત્યો હતો. નિયમો અનુસાર છ મહિનામાં વિધાનસભાનું સત્ર બોલાવવું જરૂરી છે. બંધારણીય કટોકટી ટાળવા માટે 12 સપ્ટેમ્બર સુધીમાં ગૃહની બેઠક બોલાવવી જરૂરી છે અથવા વિધાનસભા ભંગ કરવી જરૂરી છે. બંધારણના અનુચ્છેદ 174(1)માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિધાનસભાના બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ. તેથી સરકારે 12 સપ્ટેમ્બર સુધીમાં ગૃહની બેઠક બોલાવવી જરૂરી છે.
ખટ્ટરના સ્થાને મુખ્યમંત્રી બન્યા હતા
આ વર્ષે 12 માર્ચે હરિયાણામાં નેતૃત્વ પરિવર્તન થયું હતું અને કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સિંહ સૈનીને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ વિધાન દળની બેઠકમાં નાયબ સિંહ સૈનીના નામને મંજૂરી આપવામાં આવી હતી અને બેઠક બાદ તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નાયબ સિંહ સૈની મનોહર લાલ ખટ્ટરની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. નાયબ સિંહ સૈની વર્ષ 2016માં હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી હતા. 2019માં કુરુક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.