July 2, 2024

નાગાલેન્ડની મહિલાઓએ શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મારી બાજી

નાગાલેન્ડ: બે દાયકા પછી યોજાયેલી નાગાલેન્ડની શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મહિલાઓએ ઇતિહાસ રચ્યો છે. અહીં મહિલાઓએ કુલ 278માંથી 102 સીટો જીતી છે. જનરલ સીટ પર આઠ મહિલાઓનો વિજય થયો છે. અહીં 26 જૂને ચૂંટણી યોજાઈ હતી. 2004 પછી પહેલીવાર અહીં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હતી.

રાજ્યના ચૂંટણી કમિશનર ટી જોન લોંગકુમારે કહ્યું કે આ ચૂંટણી નાગા મહિલાઓ માટે છે. નાગાલેન્ડમાં મહિલા આરક્ષણ માટે લડનાર કાર્યકર્તા રોઝમેરી જુવિચુએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આ ચૂંટણી માટે એક મોટું વરદાન બની ગયું છે. રાજ્યમાં 24 મ્યુનિસિપલ સંસ્થાઓ ત્રણ મ્યુનિસિપલ કાઉન્સિલ અને 21 સિટી કાઉન્સિલમાં ચૂંટણી યોજાઈ હતી. 2.23 લાખ મતદારોમાંથી 81 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: વિકલાંગ ભારતીયની બળજબરીથી રશિયન સેનામાં કરી ભરતી, પરિવારે સરકાર પાસે માગી મદદ

ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ આ ચૂંટણીમાં સૌથી નાની વયની અને સૌથી મોટી ઉંમરના ઉમેદવાર પણ એક મહિલા છે. સૌથી યુવા ઉમેદવાર 22 વર્ષીય નજનરાહોની આય મોઝુઈ છે. જે ભંડારી મ્યુનિસિપલ કાઉન્સિલમાંથી ભાજપના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં 238 મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO)એ આ ચૂંટણીમાં ભાગ લીધો ન હતો.

ENPO છ જિલ્લાઓમાં ફેલાયેલી સાત નાગા જાતિઓની સર્વોચ્ચ સંસ્થા 16 મેના રોજ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી અને ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટરી (FNT) માટેની તેની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો. પાર્ટી 2010 થી અલગ રાજ્યની માગ કરી રહી છે અને દાવો કરે છે કે નાગાલેન્ડના પૂર્વ ભાગમાં છ જિલ્લાઓની વર્ષોથી અવગણના કરવામાં આવી છે. આ ચૂંટણીઓમાં સત્તારૂઢ એનડીપીપીએ સૌથી વધુ 153 બેઠકો જીતી હતી. જ્યારે 56 અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. ભાજપને 25 ઉમેદવારો અને અન્ય પક્ષોના 44 ઉમેદવારોને સફળતા મળી હતી.