પોલીસકર્મીએ જ ઉડાડ્યાં દારૂબંધીના ધજાગરા, નડિયાદમાં ASI સામે ફરિયાદ
ખેડાઃ સરકાર ગુજરાતમાં દારૂબંધી હોવાની શરણાઈઓ વગાડતી હોય છે. ત્યારે ગૃહ વિભાગમાં આવતા પોલીસ ખાતાના જ કર્મચારી સરેઆમ દારૂબંધીના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા છે. આ કિસ્સો છે ખેડાના નડિયાદનો.
નડિયાદની ડિવાયએસપી કચેરીમાં એએસઆઈ દારૂ પીને નશામાં ધૂત થઈને આવ્યા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલ આ એએસઆઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ધનાભાઈ નામના એએસઆઈ ડાકોર પોલીસ મથકમાં ફરજ બજાવે છે. ઠાસરા રાયોટિંગ મામલે ચાલુ તપાસમાં જવાબ લખાવવા માટે નડિયાદ ડીવાયએસપી કચેરીમાં આવ્યા હતા. ત્યારે તેમના પર ઠાસરામાં થયેલી ધમાલમાં નશો કરી ધમકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે તેમને જવાબ લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ દારૂ પીને નશામાં ધૂત થઈને હાજર થયા હતા.
ત્યારે આ સમગ્ર મામલે પીધેલી હાલતમાં આવેલા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નડિયાદ ટાઉન પોલીસ મથકે એએસઆઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે પોલીસે તપાસ ચાલુ કરી છે.