December 25, 2024

નડિયાદથી મરીડા ગામને જોડતો રોડ સ્થાનિકો માટે બન્યો માથાનો દુઃખાવો

યોગીન દરજી, ખેડા: ચોમાસુ આવે એટલે રસ્તાઓ તૂટવાની સમસ્યા થતી હોય છે. પરંતુ વાત કરવામાં આવે ખેડા જિલ્લાના નડિયાદની, તો નડિયાદથી મરીડા ગામને જોડતો જિલ્લા પંચાયતનો રસ્તો બારેમાસ તૂટેલી હાલતમાં જોવા મળતો હોય છે. વારંવાર ખેડા જિલ્લા પંચાયત દ્વારા આ રસ્તાનું રીપેરીંગ કરવામાં આવે છે. પરંતુ, કામમાં ગુણવત્તાના અભાવને કારણે આ રોડ વારંવાર તૂટી જાય છે. સ્થાનિકોની ફરિયાદ છે કે, જિલ્લા પંચાયત દ્વારા ઉતરતી કક્ષાનો રોડ બનાવવામાં આવે છે. જેના કારણે આ રોડ બને તેના 6 મહિનામાં જ તૂટી જાય છે.

નડીયાદથી મરીડા ગામને જોડતો રસ્તો મરીડા ઉપરાંત વાલા, હાથજ, નવાગામ, જવોલ, પાલડી, સહિત 10 જેટલા ગામો ને જોડતો રસ્તો છે. જે ગામડાઓમાંથી દૈનિક 5000 થી વધુ લોકો રોજગારી મેળવવા માટે નડિયાદ આવતા હોય છે. પરંતુ આ ખરાબ રસ્તાને કારણે દૈનિક નડિયાદ આવતા લોકોના વાહનો અને કમર આ ખાડામાં ઓછડવાને કારણે તુટી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે સરકાર દ્વારા આ રસ્તાના પ્રશ્નનો કાયમી ધોરણે હલ લાવે તો લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે તેમ છે.

નડીયાદ થી મરીડા તરફના આ રોડ પર ખેડા જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું સૌથી મોટુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે. જ્યાં અન્ય રાજ્યોમાંથી સ્પર્ધકો જુદી જુદી રમતો રમવા માટે આવતા હોય છે. પરંતુ રસ્તાની આવી ખરાબ હાલતને કારણે નડિયાદ સહિત ગુજરાત રાજ્યની ખરાબ છાપ લઈ અન્ય રાજ્યના સ્પર્ધકો જતા હોય છે.

ત્યારે ખેડા જિલ્લા પંચાયત દ્વારા આ સ્પોર્ટ કોમ્પ્લેક્સની શાખને બચાવવા માટે પણ યોગ્ય રસ્તો બનાવવામાં આવે તે જરૂરી છે. ચાર મહિના અગાઉ સ્થાનિક આગેવાન દિનેશચંદ્ર રાઠોડ દ્વારા જિલ્લા કલેકટરને એક પત્ર લખવામાં આવ્યો હતો. જે પત્રમાં આ રોડ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું હતું. તેઓના પત્રના જવાબમાં કલેકટર દ્વારા યોગ્ય કામગીરી કરવાની હૈયા ધારણા આપવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી રસ્તાની મરામત માટેની કામગીરી શરૂ કરવામાં આવી નથી.