January 18, 2025

રાહુલ પર નડ્ડાના પ્રહાર, કહ્યું- સંસદમાં તેમનું વર્તન કોલેજના છોકરાઓ જેવું છે

Parliament Session: કેન્દ્રીય મંત્રી અને બીજેપી ચીફ જેપી નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહારો કર્યા હતા. સંસદમાં ઉપરાષ્ટ્રપતિની નકલ કરવા સાંસદોને ઉશ્કેરવા બદલ નડ્ડાએ રાહુલ ગાંધીને કૉલેજ બોય ગણાવ્યા. ઉપરાષ્ટ્રપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના ખડગેના પગલાની પણ નિંદા કરી.

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ બંધારણીય છે. સંસદમાં તેની નકલ કરવામાં આવી રહી છે અને રાહુલ ગાંધી તેનો વીડિયો બનાવીને સાંસદોને આવું કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. આ બધું જોઈને મને મારા કોલેજના દિવસો યાદ આવી ગયા. જ્યારે વિપક્ષ અને શાસક પક્ષના વિદ્યાર્થીઓ આવું વર્તન કરતા હતા. રાહુલ ગાંધી પણ કોલેજના છોકરાની જેમ વર્તે છે. તેમનું અનુકરણ સંપૂર્ણપણે તેમની અપરિપક્વતા દર્શાવે છે. કોંગ્રેસ અને સોનિયા ગાંધીએ તેની સામે એક પણ શબ્દ ન બોલ્યા.

નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસે ઘણી વખત લોકતાંત્રિક વ્યવસ્થાને અસર કરી છે. કોંગ્રેસ મુદ્દાઓને ટાળવા અને વાળવા માંગે છે.જેના કારણે દેશની જનતા ખૂબ જ પરેશાન છે. જ્યોર્જ સોરોસ નામની વ્યક્તિ દેશની સ્થિરતાને પ્રભાવિત કરવા માંગે છે. દેશ જાણવા માંગે છે કે જ્યોર્જ સોરોસ અને સોનિયા ગાંધી વચ્ચે શું સંબંધ છે? અમે જનતાની વચ્ચે જઈને આ મુદ્દો ઉઠાવીશું.

આ પછી નડ્ડાએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ખડગેની ટીકા કરી હતી. જેપી નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના અધ્યક્ષ પર આક્ષેપો કર્યા. મલ્લિકાર્જુન ખડગે ખૂબ જ વરિષ્ઠ નેતા છે, તેમને ખબર હોવી જોઈએ કે અધ્યક્ષનો નિર્ણય અંતિમ અને નિર્વિવાદ છે. આવા આક્ષેપો કરવા નિંદનીય છે. આ કમનસીબ છે.