મ્યાનમારઃ હુમલામાં 25 લોકોનાં મોત, UN વડાએ વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હીઃ પશ્ચિમી મ્યાનમારમાં લશ્કરી હવાઈ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમો માર્યા ગયા છે. સ્થાનિક મીડિયાએ આ ઘટનાની માહિતી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના વડાએ આ હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, સોમવારે મોડી રાત્રે કરવામાં આવેલા હવાઈ હુમલામાં રખાઈન રાજ્યના મિનબ્યા ટાઉનશિપની ઉત્તરે આવેલા થડા ગામને નિશાન બનાવવામાં આવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રના વડાએ ચિંતા વ્યક્ત કરી
આ સૈન્ય હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 25 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. આ હુમલા અંગે સૈન્ય સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ત્યારે યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસે આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મ્યાનમારમાં બગડતી સ્થિતિ અને વધતા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તાએ કહ્યું કે, યુએનના વડા તમામ પ્રકારની હિંસાની નિંદા કરે છે અને નાગરિકોની સુરક્ષા અને હિંસાનો અંત લાવવાના તેમને ફરી આહ્વાન કરે છે.
અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં નુકસાન
ફેબ્રુઆરી 2021માં આંગ સાન સુ કી પાસેથી સરકાર કબજે કરી ત્યારથી મ્યાનમારનું સૈન્ય તેના શાસક સામે વ્યાપક સશસ્ત્ર સંઘર્ષનો સામનો કરવા માટે હવાઈ હુમલાઓ વધારી રહ્યું છે. એક અહેવાલ અનુસાર, 2021માં લશ્કરે બળવો શરૂ કર્યો ત્યારથી 1,652 હવાઈ હુમલાઓમાં 936 નાગરિકો માર્યા ગયા અને 878 ઘાયલ થયા હતા. ત્યારે આ હવાઈ હુમલામાં 137 ધાર્મિક ઇમારતો, 76 શાળાઓ અને 28 હોસ્પિટલોને પણ નુકસાન થયું છે.
છ બાળકોનો પણ મૃતકોમાં સમાવેશ
રોહિંગ્યાની વસ્તી ધરાવતું ગામ થાડા, મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલેથી 340 કિલોમીટર દૂર છે. અહીંના 90 ટકા લોકો બૌદ્ધ છે. થડા નજીક સ્થિત બે ગામોએ જણાવ્યું કે, સોમવારે સવારે લગભગ 1:30 વાગ્યે બે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં છ બાળકોનો પણ સમાવેશ થાય છે. ગ્રામજનોએ જણાવ્યું કે, પીડિતોમાં એવા લોકો પણ સામેલ છે, જેઓ યુદ્ધ દરમિયાન નજીકના ગામોમાં ભાગી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, બૌદ્ધ બહુમતી ધરાવતા દેશ મ્યાનમારમાં ઘણા સમયથી રોહિંગ્યા લઘુમતીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. લગભગ 74,000 રોહિંગ્યા મ્યાનમારથી ભાગીને બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરોમાં ગયા છે. બૌદ્ધ રખાઈન એ રખાઈનનું બહુમતી વંશીય જૂથ છે, જે તેમના જૂના નામ અરકાનથી પણ ઓળખાય છે. અન્ય વંશીય જૂથોની જેમ રખાઈન પણ કેન્દ્ર સરકાર પાસે તેમની સ્વાયત્તતાની માગ કરી રહ્યા છે.