મારો વોર્ડ-મારી સમસ્યા જામજોધપુર: ગંદકી, રોડ, પાણી જેવી સમસ્યાથી લોકો પરેશાન
સંજય વાધેલા જામજોધપુર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આવતા 15 દિવસમાં જ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે અને પરિણામ પણ જાહેર થશે. જોકે એ પહેલા ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા આ નગરપાલિકાઓની કેવી હાલત છે લોકોની શું માંગણી છે. લોકોને શું સમસ્યા છે વગેરે બાબતે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જામનગરમાં પણ ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેમાં જામજોધપુર કાલાવડ અને ધ્રોલ નગરપાલિકા નો સમાવેશ થાય છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ જામજોધપુર પહોંચી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી.
જામજોધપુરની નગરપાલિકા પર છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન ચાલે છે. જામજોધપુરમાં કુલ સાત બોર્ડ આવેલા છે જેમાં 28 બેઠકો પર મતદાન થાય છે. હાલની સ્થિતિ જોઈએ તો જામજોધપુર નગરપાલિકામાં માત્ર એક કોંગ્રેસના કોર્પોરેટર છે બાકી તમામ ભાજપના કોર્પોરેટર છે. વિધાનસભા મતવિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો અહીં હાલ આમ આજની પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા છે. તો આ નગરપાલિકામાં અંદાજે 22,000 મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. જામજોધપુર તાલુકો જામનગરથી છેવાડાનો તાલુકો ગણાય છે. છેવાડોનો તાલુકો હોવાના કારણે અહીં સમસ્યાઓની ભરમાર છે. જામજોધપુરમાં અનેક વોર્ડની હાલત ખૂબ જ ખરાબ છે. લોકો ગંદકી, રોડ જેવી સમસ્યાથી પરેશાન છે.
જામજોધપુરમાં વોર્ડ નંબર 2, 7, 5, મા અનેક પાયાની સુવિધાથી લોકો અભાવને કારણે પરેશાન છે. વોર્ડ નંબર સાતમાં વર્ષોથી લોકો સારા રોડની રાહ જોઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવવા કે ગંદકીની સમસ્યા તો ખરી જ. તો બીજી બાજુ વોર્ડ નંબર 2 માં ભ્રષ્ટાચારને કારણે લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો ત્રણ મહિના થયા રોડ બનાવ્યો પરંતુ હાલ અહીં રોડ નહીં માત્ર ધૂળ જ હોય તેવું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીં કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના અધિકારીઓની મિલીભગતને કારણે રોડના કામમાં લોટ પાણીને લાકડા કરવામાં આવ્યા છે.
રાજકીય રીતે નજર કરીએ તો જામજોધપુરમા સૌથી વધુ મતદારો પાટીદાર છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જામજોધપુર અને લાલપુર વિધાનસભા માટે એક જ બેઠક હોય હતી ધારાસભ્ય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે. જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપનો ત્રિપાખીયો જંગ જોવા મળશે.