January 23, 2025

‘હું ડરી ગયો હતો, હા મેં સીટ બદલી…’, આખરે મિહિર શાહે કબલ્યું

મુંબઈઃ વરલી હિટ એન્ડ રન કેસમાં મિહિરની ધરપકડ બાદ પ્રારંભિક પૂછપરછ દરમિયાન આરોપી મિહિર શાહે જુહુ બારથી બોરીવલી અને પછી મરીન ડ્રાઇવ વરલી તરફ પાછા આવવાની કબૂલાત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મિહિરે હાજી અલી પાસે ડ્રાઈવર પાસેથી સીટ બદલી હતી અને પોતે કાર ચલાવવાનું શરૂ કર્યું હતું. પ્રારંભિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તે ડ્રાઇવિંગ સીટ પર હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મિહિર શાહે ચોક્કસપણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પરંતુ આ કબૂલાતમાં પણ તેણે ભાગી જવાનો દરવાજો ખુલ્લો છોડી દીધો છે.

અકસ્માત બાદ તે પોતાના નહીં પણ તેની ગર્લફ્રેન્ડના ઘરે ગયો હતો
મિહિર શાહના કહેવા પ્રમાણે અકસ્માત બાદ તે ખૂબ જ ડરી ગયો હતો. તેને ડર હતો કે તેના પરિવારના સભ્યો પણ તેને ઠપકો આપશે. તેથી તેના પિતા બાંદ્રા પહોંચે તે પહેલા તે ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ ઘરે જવાને બદલે તે ગોરેગાંવમાં તેની ગર્લફ્રેન્ડના ઘરે ગયો. હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મિહિરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં પોલીસ વધુ તપાસ માટે તેની પોલીસ કસ્ટડી માંગશે.

60 કલાક પછી ધરપકડ
મુંબઈના વરલીમાં થયેલા જીવલેણ BMW અકસ્માતના લગભગ 60 કલાક પછી પોલીસે મંગળવારે બપોરે મુખ્ય આરોપી મિહિર આર. શાહની થાણેથી ધરપકડ કરવામાં આવી હતી. સત્તાધારી શિવસેનાના નેતા રાજેશ શાહનો 24 વર્ષીય પુત્ર મિહિર રવિવાર (7 જુલાઈ)ના રોજ હિટ એન્ડ રન અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. તે દિવસે સવારે, મિહિર કથિત રીતે દારૂના નશામાં હતો અને BMW ચલાવી રહ્યો હતો ત્યારે તેની કાર એક સ્કૂટરને અથડાઈ હતી. માછીમાર દંપતી પ્રદીપ નાખ્વા (50) અને તેની પત્ની કાવેરી (45) કોલાબાના સસૂન ડોકથી ઘરે પરત ફરી રહ્યા હતા. કાવેરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેનો પતિ પ્રદીપ ઘાયલ થયો હતો.

આ પણ વાંચો: ગાઝામાં ઈઝરાયલી સેનાનો હવાઈ હુમલો, 29 ફિલિસ્તાનીઓના મોત

હાઈ-પ્રોફાઈલ ઘટના
હવે પોલીસે મિહિરની ધરપકડ કરી છે. આ સિવાય તે દિવસે સવારે તેની સાથે પાર્ટી કરી રહેલા કેટલાક અન્ય લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. શાસક પક્ષના એક નેતાની સંડોવણીની આ હાઈ-પ્રોફાઈલ ઘટના બાદ પોલીસ દબાણમાં આવી ગઈ હતી. અગાઉ સોમવારે વરલી પોલીસે રાજેશ શાહ અને તેના ડ્રાઈવર રાજર્ષિ બિદાવતની ધરપકડ કરી હતી. રાજેશ શાહને સોમવારે રૂ. 15,000ના બોન્ડ પર જામીન મળ્યા હતા. જ્યારે બિદાવતને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.