3 બાળકોના વિધર્મી બાપ સાથે લગ્ન કર્યા તો HCએ કહ્યુ – 24×7 સુરક્ષા પૂરી પાડો
અમદાવાદઃ શહેરની 24 વર્ષની યુવતીને અન્ય ધર્મના પરિણીત અને ત્રણ બાળકોના પિતા સાથે પ્રેમ થયો હતો. તેણે ભાગીને તેની સાથે લગ્ન પણ કર્યા અને તેની સાથે રહેવા મુંબઈ આવી ગઈ હતી. પરંતુ જ્યારે યુવતીના પરિવારના વિરોધને કારણે દંપતીને ગુજરાત પોલીસની કાર્યવાહીનો ડર લાગવા લાગ્યો હતો. ત્યારે તેમણે બોમ્બે હાઈકોર્ટમાં રક્ષણ મેળવવા અરજી કરી હતી. ત્યારબાદ હવે આ કેસમાં કોર્ટે મુંબઈ પોલીસને કપલને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે.
ન્યાયાધીશ રેવતી મોહિતે-ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની બેન્ચે દંપતી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા કહ્યું, ‘અમે નિર્દેશ કરીએ છીએ કે અરજદારોને 8 ઓગસ્ટ, 2024 સુધી બે સશસ્ત્ર ગાર્ડ્સ પૂરા પાડવામાં આવે, તેઓ જ્યાં પણ જાય તે તેમની સાથે રહેશે. ખંડપીઠે અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનને અરજદારોની સુનાવણી ન થાય ત્યાં સુધી તેમની સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવા પણ નિર્દેશ આપ્યો હતો.’
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, કપલમાંથી પુરુષ મુંબઈનો છે, જ્યારે છોકરી અમદાવાદની છે. તે પરિણીત પુરુષના પ્રેમમાં પાગલ થઈને યુવતીએ ઘર છોડી દીધું અને મુંબઈ આવી ગઈ હતી. અહીં તેણે મુસ્લિમ રિવાજ મુજબ તે પુરુષ સાથે લગ્ન કર્યા હતા. યુવતી તેના મામા સાથેની પેઢીમાં ભાગીદાર હોવાને કારણે છ વર્ષ પહેલાં તેના સંપર્કમાં આવી હતી.
યુવતી ઘરેથી નીકળી ગયા બાદ તેના પરિવારજનોએ પહેલા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, ત્યારબાદ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે તેના ભાઈએ યુવતી પર ચોરીનો આરોપ લગાવ્યો અને તેની સામે ચોરીનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તે 4.5 લાખની કિંમતના સોનાના દાગીના અને 50 હજારની રોકડ લઈને ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું.
કોર્ટમાં પરિણીત યુગલનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ એમએલ કોચરેકર અને મોહમ્મદ અહેમદ શેખે દલીલ કરી હતી કે, દંપતીએ રક્ષણ મેળવવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હોવાથી ચોરીનો કેસ પાછળથી નોંધવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન ગુજરાત પોલીસની સાથે યુવતીના માતા-પિતા અને ભાઈ પણ કોર્ટમાં હાજર હતા. અહીં છોકરીએ ન્યાયાધીશોને કહ્યું કે, 15 જુલાઈ, 2024ના રોજ ઘરેથી ભાગતી વખતે તેણે કંઈપણ ચોર્યું નથી. જો તેના માતા-પિતા ઈચ્છે તો તે તેમને આપેલી સોનાની ચેઈન અને બુટ્ટી પરત કરવા તૈયાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, યુવતીએ થોડા દિવસો સુધી તેના માતા-પિતાના ઘરે જવાની ના પાડી, તેણે તેના માતા-પિતાને મળવાની પણ ના પાડી.
યુવતીએ કોર્ટને કહ્યું કે, તે જાણતી હતી કે તે વ્યક્તિ પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે. આમ છતાં તેણે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેણે એમ પણ કહ્યું હતું કે, તેણે મરજીથી તે વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.
સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ વ્યક્તિગત અને સામુહિક રીતે સંબંધિત તમામ પક્ષકારો સાથે વાત કરી હતી. ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, અરજદારો પ્રત્યે છોકરીના માતા-પિતાના મનમાં ઘણો ગુસ્સો છે. તેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે કોર્ટે પોલીસને તાત્કાલિક પોલીસ સુરક્ષા પ્રદાન કરવા નિર્દેશ આપ્યો હતો.
અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે દંપતીનું નિવેદન નોંધવા માટે જ મુંબઈ આવ્યા હતા અને તેમને ગુજરાત પરત લઈ જવાનો તેમનો કોઈ ઈરાદો નથી. ત્યારબાદ કોર્ટે નિર્દેશ આપ્યો કે, તેઓ આ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ કરી શકે છે.