મુંબઈના 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે
નવી દિલ્હીઃ 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે શનિવારે સવારે અમેરિકાથી ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. યુએસ સુપ્રીમ કોર્ટે આ આદેશ જાહેર કર્યો છે. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. તે 26/11ના હુમલાના આરોપીઓમાંનો એક છે. ભારત લાંબા સમયથી અમેરિકા પાસે માગ કરી રહ્યું છે કે, રાણાને ભારતને સોંપવામાં આવે. પીએમ નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે ઘણી વખત જો બાઇડન પ્રશાસનને રાણાને ભારતને સોંપવાની માગ કરી હતી.
હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા પર રાજ કરે છે. રાષ્ટ્રપતિ બન્યાના એક અઠવાડિયામાં જ અમેરિકાથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકી સુપ્રીમ કોર્ટનો આ મોટો નિર્ણય ભારતના રાજદ્વારી પ્રયાસો વચ્ચે આવ્યો છે. 2008માં થયેલા મુંબઈ હુમલામાં 166થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. લગભગ 60 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ પાકિસ્તાનથી બોટમાં બેસીને મુંબઈ આવેલા આ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. નવેમ્બર 2024માં તહવ્વુર રાણાએ અમેરિકામાં મોટાભાગે કોર્ટની કાર્યવાહી ગુમાવી હતી. આ પછી તેણે યુએસ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, હવે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે તહવ્વુર રાણાને ભારતને સોંપી શકાય છે.
તહવ્વુર રાણાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલા સંબંધિત આરોપોમાં શિકાગોની એક ફેડરલ કોર્ટે તેમના પર કેસ ચલાવ્યો હતો અને તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે, 2025માં યુએસ સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવી દીધી અને ભારતના દાવાને માન્યતા આપી. અમેરિકન વહીવટીતંત્રે પણ સુપ્રીમ કોર્ટમાં રાણાની અરજી ફગાવવાની ભલામણ કરી હતી. હવે, તહવ્વુર રાણાને ભારત લાવવા માટેની તમામ કાનૂની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે, અને એનઆઈએ તેની વિરુદ્ધ આંતકવાદી ગતિવિધિઓ, દેશદ્રોહ અને હત્યા જેવા ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરશે.