December 28, 2024

મુંબઈની તાજ હોટેલ પર થયેલા 26/11 હુમલાની 16મી વરસી, 60 કલાક સુધી થયો હતો ગોળીબાર

અમદાવાદઃ 16 વર્ષ પહેલાં આજના દિવસે 26મી નવેમ્બરે મુંબઈમાં હુમલાના સમાચાર આવતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, પાકિસ્તાનના આતંકવાદીઓએ એક મોટા ષડ્યંત્રના ભાગરૂપે આ હુમલો કર્યો હતો. ચાર દિવસ સુધી મુંબઈની તાજ હોટેલમાં આતંકવાદીઓ સાથે સંઘર્ષ ચાલ્યો હતો. આ ઉપરાંત ઘણી ઇમારતો 60 કલાકથી વધુ સમય માટે તેમના કબ્જા હેઠળ હતી. મુંબઈ હુમલામાં ઘણા અધિકારીઓ પણ શહીદ થયા હતા.

26 નવેમ્બરનો ઇતિહાસ
દેશભરના લોકો તે ચાર દિવસ સુધી ઉંઘી શક્યા નહોતા. ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવેલા ભયાનક દ્રશ્યોએ દેશવાસીઓને ચોંકાવી દીધા હતા. સમયની સાથે 16 વર્ષ વીતી ગયા છે, પરંતુ આતંકવાદીઓ દ્વારા મુંબઈની છાતી પર લાગેલા ઘા હજુ પણ તાજા છે. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા.

મુંબઈના ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અંદાજે 166 લોકો માર્યા ગયા હતા અને લગભગ 600થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં 9 હુમલાખોર આતંકવાદીઓ માર્યા ગયા હતા અને મુંબઈ પોલીસે એક આતંકવાદી કસાબને જીવતો પકડી લીધો હતો, જેને પાછળથી ફાંસી આપવામાં આવી હતી.

રેલ્વે સ્ટેશનથી તાજ હોટલ સુધી હત્યાકાંડ
26મી નવેમ્બરે બુધવાર હતો. હુમલાખોરો બે જૂથોમાં વહેંચાયેલા હતા. ગોળીબાર અને આતંકની રમત વિદેશીઓમાં પ્રસિદ્ધ લિયોપોલ્ડ કાફે અને છત્રપતિ શિવાજી ટર્મિનસથી શરૂ થઈ અને તાજ હોટેલમાં સમાપ્ત થઈ હતી.