News 360
Breaking News

કુલભૂષણ જાધવનું અપહરણ કરનારા આતંકીની હત્યા, તુર્બતમાં મસ્જિદમાંથી બહાર નીકળતાં જ ગોળી મારીને હત્યા કરાઈ

Pakistan: તુર્બત જિલ્લાના મલિકાબાદ વિસ્તારમાં લક્ષિત હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના નેતાની હત્યા કરવામાં આવી હતી. તેની ઓળખ JUI-F સભ્ય મુફ્તી શાહમીર તરીકે થઈ હતી. તરાવીહની નમાઝ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અજાણ્યા સશસ્ત્ર મોટરસાઇકલ સવારોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

મુફ્તી શાહમીરને ગોળી વાગવાથી ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે હત્યા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ નથી અને હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. જવાબદારોને પકડવા માટે તપાસ ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હુમલો ખૂબ જ સુનિયોજિત રીતે કરવામાં આવ્યો હતો, હુમલાખોરો રાહ જોઈને બેઠા હતા.

વધુમાં મળતી માહિતી અનુસાર ભારતીય ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં ISI ને મદદ કરવામાં મુફ્તી શાહ મીર સામેલ હતો. ઉલ્લેખનીય છે કે, કુલભુષણની માર્ચ 2016માં પાકિસ્તાને ધરપકડ કરી હતી. જેઓ છેલ્લા 9 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે જાધવની બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. ભારતે આ દાવાને ફગાવતા કહ્યું હતું કે કુલભૂષણ જાધવને ઈરાનમાંથી કિડનેપ કરવામાં આવ્યા છે. 2017માં પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા સંભળાવી હતી. તેમની વિરુદ્ધ ભારતે 2017માં જ ICJમાં અપીલ કરી હતી.

ઈન્ટરનેશન કોર્ટે જુલાઈ 2019માં પાકિસ્તાનને જાધવને ફાંસી ન આપવા અને તેની કરાયેલી સજા પર પુર્ન:વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં પાકિસ્તાને કોઈ નિર્ણય લીધો નથી.