December 17, 2024

જ્ઞાતિ આધારિત ગણતરી માટેના આંદોલનનું રણશિંગુ પાટણથી ફૂંકાશે: જગદીશ ઠાકોર

પાટણ: આજે પાટણના પ્રગતી મેદાન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું મહા સંમેલનનો પ્રારંભ થયો હતો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન માટે આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં અલગ-અલગ સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું હતું. ત્યાં જ આ સન્માન સમારોહના નામે ઠાકોર સમાજે મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન જગદીશ ઠાકોરે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના આંદોલનની વાત કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જગદીશ ઠાકોરે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનાં આંદોલનની શરૂઆત પાટણથી થશે તેવી જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના નેતા મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર પણ પહોંચ્યા હતા. જેમાં બળદેવજી ઠાકોર અને ચંદનજી ઠાકોરે 11 લાખનો ચેક આપી ગેનીબેનનું મામેરુ ભર્યું હતું. ત્યાં જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય રઘુદેસાઈએ મામેરા પેટે એક લાખ રૂપિયા અને કપડાં આપ્યા હતા.

ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘પાટણએ સંતો-મહંતોની ભૂમિ છે. જે સમાજ યોગ્યતા વાળી વ્યક્તિનું સન્માન કરે છે તેની ઈતિહાસ નોંધ લે છે. ભમરો હંમેશા ઘુ-ઘુ કરી એકલો ફરે છે તે માત્ર ડંખ મારે છે પણ મધ આપતો નથી. ડંખ મારતા આવા ભમરાવો જેવા વ્યક્તિઓને સાઈડમાં રાખવા.’ શક્તિસિંહ ગોહિલે નામ લીધા વિના ભાજપ પર વ્યંગ કર્યો હતો.

પાટણના પ્રગતી મેદાન ખાતે ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં મંચ પરથી જગદીશ ઠાકોર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં જગદીશ ઠાકોરે કહ્યું કે, ‘બનાસકાંઠા જિલ્લો આર્થિક રીતે પછાત છે પરંતુ બનાસકાંઠા રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર 1 છે. ઠાકોર સમાજ ખૂબ મોટો છે માટે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. રોહિણી પંચ અહેવાલ સરકાર દબાવીને બેઠી છે. જાતિ આધારિત ગણતરી થાય તો ઠાકોર સમાજને ઘણું મળી શકે છે. જ્ઞાતિ આધારિત ગણતરી માટેના આંદોલનનું રણશિંગુ પાટણથી ફૂંકાશે.