December 26, 2024

અમદાવાદની ગ્રાન્ડ હયાત હોટલના સંભારમાંથી નીકળી જીવાત, AMCએ રસોડુ સીલ કર્યું

જયેશ ચૌહાણ, અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય ચીજવસ્તુઓ માંથી ઇયળ વંદા સહિતની જીવાતો નીકળવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. અત્યાર સુધી તો મોટાભાગની ઘટના સામાન્ય હોટલ અને લારીગલ્લાં પરથી આવી ઘટનાઓ સામે આવતી હતી. પરંતુ આજે અમદાવાદની એક ફાઇવ સ્ટાર હોટલના જમવામાં જીવાત મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જેને લઈને હવે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદની એક પ્રખ્યાત ફાઇવ સ્ટાર હોટેલના સાંભરમાંથી જીવાત નીકળી છે. ફાઇવ સ્ટાર હોટલના સંભારમાંથી જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળી રહ્યું છે કે વસ્ત્રાપુરની ગ્રાન્ડ હયાત હોટેલના સાંભરમાંથી જીવાત નીકળી છે. ગ્રાન્ડ હયાત હોટેલ ખાતે એક ફેમિલી ફંક્શન યોજાયું હતું. જેના જમણવારમાં પીરસવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફૂડના સાંભર માંથી જીવાત નીકળી હતી. સાંભર માંથી નીકળેલ જીવાતને લઈને ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ AMC દ્વારા તાત્કાલિક એક્શન લઈને ગ્રાન્ડ હયાત હોટેલનું કિચન સીલ કરી દીધું હતું.