September 8, 2024

ગુજરાત મોડલ! ચોમાસામાં મોટા ડેસર ગામની શાળા બની જાય છે તળાવ

ધર્મેશ જેઠવા, ઉના: ઉના તાલુકાના મોટા ડેસર ગામે કન્યા શાળા અને કુમાર શાળા અલગ-અલગ છે. મોટા ડેસર ગામની છેવાડે કન્યા શાળા કાર્યરત છે. અહી કન્યા શાળામાં બાલમંદિરથી લઈને 8 ધોરણમાં આશરે 390 થી વધુ કન્યાઓ અભ્યાસ કરે છે. શાળાનું બિલ્ડિંગ 2007માં નવું બન્યું છે પણ જ્યાં બનાવવામાં આવ્યું ત્યાં તળાવ હતું અને નીચાણ વાળા ભાગમાં આ શાળા બનતાં ચોમાસાની સિઝનમાં અહી શાળાના કંપાઉન્ડમાં ઘૂંટણ સમા પાણી ભરાય છે. અને નાની વિદ્યાર્થિનીઓને આ પાણીમાંથી પસાર થઈને વર્ગખંડમાં જવું પડે છે.

શાળાના આચાર્યએ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા પણ આ અંગે કોઈ નિવેડો હજુ સુધી આવ્યો નથી. ચોમાસામાં વરસાદનું પાણી આ તળાવમાં બનેલ શાળામાં જ ધસી આવે છે જેથી ના છૂટકે વિધાર્થિનીઓને આ પાણીમાં થઈને જ શાળામાં પ્રવેશવું પડે છે. શાળામાં એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ સુધી જવા આવવા હાલ તો પ્લાસ્ટિકના નાના ટેબલોથી બે રામસેતુ જેવા પુલ બનાવવામાં આવ્યા છે. જેની ઉપર બેલેન્સ રાખીને નાની મોટી વિદ્યાર્થિનીઓ આવ-જા કરે છે.

390 જેટલી વિદ્યાર્થિનીઓ રીસેસમાં એક સાથે બહાર આવતા નાછૂટકે આ પાણીમાં ચાલવા મજબૂર બને છે. ભીના પગ થતાં શાળાની અંદર ફ્લોર ઉપર વિદ્યાર્થિનીઓ લપસીને પડી પણ શકે છે. તેમજ આ પાણીમાં કોઈ જીવજંતુ કે સાપ પણ હોય શકે તો જાનહાનિ થવાની ઘટના પણ બની શકે છે. ટેબલ ઉપર બેલેન્સ કરીને ચાલવામાં પણ જોખમ રહેલું છે. અને ફ્લોર ઉપર ભીના પગે ચાલતા પણ અકસ્માત થવાની શકયતા રહેલી છે. જો કોઈ ગંભીર અકસ્માત થાય તો જવાબદારી કોની? તે પણ એક મોટો સવાલ છે.

શાળામાં ભરાતા પાણીનો કાયમી ઉકેલ મોટી ગટર લાઈન નાખવામાં આવે તો કાયમી ઉકેલ આવે તેમ છે. પણ રાજકીય દ્વેષના લીધે અને તંત્રની ઢીલને કારણે અહી 20 લાખની ગ્રાન્ટ પાસ થતી નથી. કારણ કે ગટર બનાવવાનો અંદાજિત ખર્ચ 20 લાખ જેટલો થાય તેમ છે.