મ્યાનમાર ભૂકંપમાં અત્યાર સુધી 150 લોકોના મોત, વધી શકે છે મોતનો આંકડો

Myanmar: શુક્રવારે મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશ થયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોના મોત થયા છે. એકલા મ્યાનમારમાં જ 144લોકોના મોતની માહિતી સામે આવી છે. 730થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે, જોકે આ આંકડો વધુ વધી શકે છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાના અહેવાલ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારની રાજધાની નાયપીડોથી લગભગ 250 કિલોમીટર દૂર સાગાઈંગ શહેર નજીક જમીનથી લગભગ 10 કિલોમીટર નીચે હતું.
મળતી માહિતી અનુસાર, આમાં રાજધાની નાયપીડોની એક હોસ્પિટલમાં થયેલા મૃત્યુનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મોટા પાયે જાનહાનિ થવાની શક્યતા છે. અહીંના ડોક્ટરોએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે મંડલેમાં એક મસ્જિદ ધરાશાયી થઈ હતી અને તે સમયે ઘણા લોકો ત્યાં હાજર હતા. આ જ શહેરમાં એક યુનિવર્સિટી બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી.
આ પણ વાંચો: મ્યાનમારની વ્હારે આવ્યું ભારત, ભૂકંપથી તબાહી બાદ 15 ટન રાહત સામગ્રી મોકલી કરી મદદ
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે આશંકા વ્યક્ત કરી છે કે મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે મૃત્યુઆંક 10 હજારને પાર કરી શકે છે. મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપથી થયેલા નુકસાનના સત્તાવાર આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ ઘણી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હોવાના વીડિયો સામે આવ્યા છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે નુકસાન પણ ઘણું મોટું થયું છે.