January 18, 2025

58 દેશોમાં નિકાસ થતી મોરબીની ઘડિયાળોની ટિકટિક ધીમી પડી

ડેનિશ દવે, મોરબી: દુનિયાભરમાં મોરબી ક્લોક સિટી તરીકે મશહૂર છે. વિશ્વના ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વાગી રહ્યો છે. એક સમય એવો હતો કે જાપાન કે સ્વિત્ઝરલેન્ડથી ભારતમાં ઘડિયાળ આયાત થતી હતી આજે સ્થિતિ એવી છે કે 58 જેટલા દેશોમાં મોરબીની ઘડિયાળની નિકાસ થઈ રહી છે. જોકે હવે આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે.

મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગના પાયા આમ તો આઝાદી પૂર્વે નંખાયા હતા. શરૂઆત સાયન્ટિફિક ક્લોકથી કરવામાં આવી હતી. મોરબીના ઘડિયાળ ઉદ્યોગના પાયામાં દયાળભાઈ મિસ્ત્રી અને તેમના પરિવારનું મુખ્ય યોગદાન રહેલું છે. મોરબીમાં સૌથી જૂનું સાયન્ટિફિક ક્લોકની ફેક્ટરી 1946માં શરૂ કરવામાં આવી હતી. ધીરે-ધીરે મોરબીનું નામ આ ઉદ્યોગમાં આગળ વધતું ગયું અને 1965માં ટ્રાન્ઝિસ્ટ ક્લોક બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં સફળતા મળતા સમયની માગ મુજબ લોલક વગરના ઘડિયાળ અને હવે સેલવાળા ડિજિટલ ઘડિયાળનું મોરબીમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

આજે દુનિયાભરમાં ઘડિયાળ ઉદ્યોગનો ડંકો વાગી રહ્યો છે. મોરબીના ઉદ્યોગની હરણફાળમાં અજંતા ગ્રૂપનો સિંહફાળો છે. 1971માં જ્યારે અજંતા ગ્રૂપના મોભી સ્વ.ઓધવજીભાઈ પટેલે જ્યારે આ બિઝનેસમાં ઝુકાવ્યું ત્યારથી મોરબીના ઘડિયાળ ઉદ્યોગે એક નવી ઓળખ ઊભી કરી છે. મોરબી અને આસપાસના વિસ્તારમાં આજે ઘડિયાળ ઉદ્યોગ એક ગૃહ ઉદ્યોગ તરીકે વિકસ્યો છે. મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ શ્રશંગભાઇ દંગી ‘ન્યૂઝ કેપિટલ ’ને કહે છે, ‘હાલ મોરબી અને આસપાસના એરિયામાં આશરે 140 જેટલા ઘડિયાળની ફેક્ટરીઓ છે અને આ ઉદ્યોગ એકલો આશરે 22 હજાર લોકોને રોજગારી આપી રહ્યો છે.

આ પણ વાંચો: 8 કલાકની કામગીરી બાદ આદિવાસી પરિવારને વન અધિકારીઓએ બચાવ્યા

વિશ્વમાં મોરબીની ઓળખ જે ઘડિયાળ ઉદ્યોગ થકી છે તે ઘડિયાળનું ટીક ટીક ધીમું પડી રહ્યું છે અને સરકાર જો ઘડિયાળ ઉદ્યોગને પ્રોત્સાહન નહિ આપે તો ઉદ્યોગની સ્થિતિ વધુ બગડશે. આઝાદી બાદથી મોરબી શહેર ઘડિયાળ નગરી તરીકે વિશ્વમાં વિખ્યાત છે અને મોરબીમાં બનેલી ઘડિયાળ દુનિયાના વિવિધ દેશોમાં ઘરની શાન બનતી હોય છે. જો કે, મોરબીના ઘડિયાળ ઉદ્યોગને મંદીનો ભરડો લાગ્યો હોય તેમ લાગી રહ્યું છે. નોટબંધી અને જીએસટી બાદથી ઘડિયાળ ઉદ્યોગમાં સુસ્તી જોવા મળી રહી છે તો વળી જીએસટીના ઊંચા સ્લેબમાં ઘડિયાળ ઉદ્યોગને સમાવતા ઘડિયાળ ઉત્પાદન કરતા એકમોના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘડિયાળ ઉદ્યોગમાં રોજગારી મેળવતા શ્રમિકોને પણ મહિનામાં પૂરતા દિવસનું કામ નહિ મળતા રઝળી રહ્યા છે.

મોરબી શહેર ની ઘડિયાળ એક સમયમાં વિશ્વ પ્રખ્યાત હતી સાયન્ટીફીક્ટ ઘડિયાળનું કારખાનું સૌથી જૂનું રહ્યું છે આ કારખાના એ મોરબી ને એક અલગ ઓળખ આપી હતી દેશ વિદેશમાં આ બ્રાન્ડ પ્રખ્યાત હતી જે બ્રાન્ડ ડંકા વાળી ઘડિયાળ કહેવાતી પરંતુ અજંતા ક્લોક ના માલિક સ્વ ઓધવજીભાઈ પટેલે દેશ વિદેશમાં ઘડિયાળ ઉદ્યોગનો ડંકો વગાડ્યો હતો પરંતુ એ સમય અને આ સમયમાં વધુ તફાવત છે આ સમયમાં મોરબી ઘડિયાળ ઉદ્યોગ મંદીમાં છે લાતીપ્લોટ વિસ્તાર માં ગંદકી ના કારણે ઉદ્યોગકારો આ વિસ્તાર છોડી રહ્યા છે તદુપરાંત સરકાર દ્વારા આ ઉદ્યોગને જી.એસ.ટી માં સમાવેશ કરવામાં આવતા સાવ મંદી જોવા મળી રહી છે.