December 28, 2024

મોરબીમાં કમોસમી વરસાદ, દેવભૂમિ દ્વારકાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

મોરબીઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે મોરબીમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. તો હળવદના બે ગામોમાં વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

મોરબી જિલ્લામાં વરસાદી આંકડા

  • મોરબી સામાંકાંઠે – 8 મિમી
  • ટંકારા – 5 મિમી
  • માળિયા – 9 મિમી
  • વાંકાનેર – 18 મિમી

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દેવભૂમિ દ્વારકામાં માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ખરાબ હવામાનને કારણે માછીમારોને સૂચના આપી છે. આ ઉપરાંત કમોસમી વરસાદ ખાબકવાની સંભાવનને પગલે માછીમારોને સચેત કરવામાં આવ્યા છે. ખરાબ વાતાવરણને કારણે દરિયામાં અનેક ફેરફાર થાય તેવી શક્યતા છે. દરિયામાં ઉંચા મોજા ઉછળે તેવી સંભાવના છે. ત્યારે તકેદારી રાખવા તેમજ જરૂર લાગે તો સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે.

સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ શરૂ થયો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વઢવાણ, લખતર, સાયલા, ચોટીલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે ખેડૂતોમાં કમોસમી વરસાદને કારણે ચિંતાનો માહોલ છવાયો છે.