December 26, 2024

Monsoon Update: ગરમીમાં ચોમાસું ખોવાયું, જૂનમાં સરેરાશ 20% ઓછો વરસાદ

Monsoon Update: ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે 12થી 18 જૂન દરમિયાન ચોમાસામાં કોઈ પ્રગતિ નથી જોવા મળી રહી, જેને લઈને જૂન મહિનામાં ભારતમાં સામન્ય કરતાં 20 ટકા ઓછો વરસાદ થયો છે. જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ ચાર દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કાંઠાના આંધ્ર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, બિહાર અને ઝારખંડના કેટલાંક વિસ્તારોમાં ચોમાસું પહોંચવાના અણસાર છે.

જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનથી 18 જૂન દરમિયાન 64.5 મિમી વરસાદ થયો છે, જે 80.6 મિમીની સરેરાશ કરતાં 20 ટકા ઓછો છે. 1 જૂનથી અત્યારસુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં 10.2 મિમી વરસાદ થયો છે જે સામાન્ય કરતાં 70 ટકા ઓછો છે. તો બીજી બાજુ મધ્ય ભારતમાં 50.5 મિમી વરસાદ થયો છે જે સામાન્ય કરતાં 31 ટકા ઓછો છે. દક્ષિણ દ્વીપકલ્પમાં 106.6 મિમી વરસાદ થયો છે જે સામાન્ય કરતાં 16 ટકા ઓછો છે. તેમજ, પૂર્વ અને પૂર્વોત્તર બહરાત્મા 146.7 મિમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં 15 ટકા ઓછો છે.

અત્યાર સુધી કેટલો થયો વરસાદ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 મેના રોજ નિકોબાર દ્વીપસમૂહના કેટલાંક વિસ્તારોમાં આગળ વધ્યું હતું. ત્યારબાદ, 26 મે સુધી રેમલ વાવાઝોડા સાથે ચોમાસાએ દક્ષિણના મોટા ભાગના વિસ્તારો અને બંગાળની ખાડીના મધ્યમ કેટલાંક વિસ્તારો કવર કરી લીધા હતા. ચોમાસું 30 મે આસપાસ કેરળ અને પૂર્વોત્તર રાજ્યોમાં એક સાથે પહોંચ્યું હતું. જે ક્રમશઃ સામાન્યથી 2થી 6 દિવસ વહેલા આવ્યું હતું. 12 જૂન સુધી ચોમાસું ધીરે ધીરે સમગ્ર કેરળ, કર્ણાટક, ગોવા, મધ્ય પ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં વરસી ચૂક્યું હતું. સાથે સાથે, દક્ષિણ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાંક વિસ્તારો અને ઉપ-હિમાલયન પશ્ચિમ બગાળ, સિક્કિમ અને તમામ પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પધરામણી કરી ચૂક્યું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, પરંતુ હવે ચોમાસું આગળ નથી વધી રહ્યું અને 18 જૂનના રોજ ચોમાસાની ઉત્તરી સીમા નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપૂર, બીજાપુર, સુકમા, મલકાનગીરી અને વિજયનગરમ થઈને પસાર થઈ હતી. IMDએ વધુમાં જણાવ્યું છે કે દેશના હવામાન વિજ્ઞાનના ઉપ વિભાગોમાં 1થી 18 જૂન દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે.

આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદની આશા

હવામાન વિભાગે મેના અંતમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દેશમાં ચાર મહિનાના ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. જેમાં કુલ 87 સેમી વરસાદ એટલે કે સરેરાશ કરતાં 106 ટકા વધુ વરસાદ થવાનું અનુમાન છે. પૂર્વોત્તર ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ, ઉત્તર પશ્ચિમમાં સામાન્ય અને દેશના મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની આશા છે. હવામાન વિભાગનું કહેવું છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાનું અનુમાન છે. ભારતની ખેતી માટે ચોમાસું મહત્વનું માનવામાં આવે છે, કારણ કે કુલ ખેતીલાયક વિસ્તારનો 52 ટકા વિસ્તાર ચોમાસા પર આધાર રાખે છે. ચોમાસું પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ જળાશયોને ભરવા માટે પણ મહત્વપૂર્ણ છે. જૂન અને જુલાઇમાં કૃષિ માટે સૌથી મહત્વના ચોમાસા મહિના માનવામાં આવે છે કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ જ સમયગાળા દરમિયાન થતી હોય છે.