Monsoon: 6 દિવસ પહેલા જ દેશભરમાં વરસાદી માહોલ, જાણો તમારા રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે ચોમાસું

Monsoon: આ વખતે નિયત સમય કરતાં 6 દિવસ વહેલા દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના વિસ્તારોમાં આગળ વધી ગયું છે. જેને કારણે 8મી જુલાઇની નિર્ધારિત તારીખ પહેલા જ 2 જુલાઇના રોજ ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે. તો, કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસું સામાન્ય કરતાં 2 અને 6 દિવસ વહેલું 30 મેના રોજ પહોંચ્યું હતું.
હવામાન વિભાગે આજે મંગળવાર 2 જુલાઈએ તમામ રાજ્યોમાં વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે. IMDએ કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને રેડ એલર્ટ અને અન્ય માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો, જાણી લઈએ કે આગામી બે દિવસ હવામાન કેવું રહેશે.
આજે આ સ્થળોએ થશે ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 2 જુલાઇના રોજ ઉત્તરાખંડ, આસામ અને મેઘાયલમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં મોન્સૂન રેખા દિલ્હી ઉપરથી પસાર થઈ રહી છે, તેથી આગામી બે દિવસ રાજધાનીમાં સારો વરસાદ થઈ શકે છે.
ક્યાં કરશે થશે મેઘ ગર્જન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના કેટલાક ભાગોને બાદ કરતાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. જો આવતીકાલે એટલે કે 3 જુલાઈના હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ સહિત અન્ય ઘણા રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.