January 22, 2025

મોહમ્મદ શમી આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો… મિત્રએ કર્યો ડરામણી રાતનો ખુલાસો

Mohammed Shami contemplated suicide: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના મિત્ર ઉમેશ કુમારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉમેશ કહે છે કે શમીએ થોડા વર્ષો પહેલા આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. તમને જણાવી દઈએ કે શમીનું અંગત જીવન તણાવપૂર્ણ રહ્યું છે, કારણ કે તેની પત્ની હસીન જહાંએ તેની વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. તેણે શમી પર પાકિસ્તાની મહિલા પાસેથી પૈસા લઈને મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે શમીને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તે મુશ્કેલ સમયમાં શમી ઉમેશના ઘરે રહેતો હતો. પાકિસ્તાન સાથે ફિક્સિંગના આરોપોએ તેને ખરાબ રીતે તોડી દીધો હતો.

ઉમેશે શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં કહ્યું કે, “ન્યૂઝમાં આવ્યું કે શમી આત્મહત્યા કરવા માંગે છે. આખરે મામલો શું હતો? શમી દુનિયા છોડવા માંગતો હતો. તે દિવસે સવારના 4 વાગ્યા હતા. પછી હું પાણી પીવા ઉભો થયો. મારી બોટલમાં પાણી નહોતું એટલે હું ઉભો થઈને રસોડા તરફ ગયો. મેં શમીને બાલ્કનીમાં ઊભો જોયો. હું 19મા માળે રહેતો હતો. હું સમજી ગયો કે શું થઈ રહ્યું છે. શમી માટે એ રાત કયામતની રાત જેવી હતી. તેના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. તે રાત્રે શમીએ એક વાત કહી હતી. શમીએ કહ્યું કે તમે મને મારો, સજા આપો અથવા મને ફાંસી આપો, હું દરેક વસ્તુ માટે તૈયાર છું. પરંતુ પાકિસ્તાન સાથે ફિક્સિંગના આરોપને સાંખી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: T20 World Cupમાં ટીમોની સંખ્યા વધારવાનો નિર્ણય, ICCની મિટિંગમાં લાગી મહોર

ઉમેશે વધુમાં કહ્યું કે, “મેં શમીને કહ્યું હતું કે જીવનમાં કંઈ પણ કાયમ રહેતું નથી. જીવન ચાલ્યા કરે છે. એક દિવસ અમે બંને બપોરે ચેટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક મોબાઈલ પર મેસેજ આવ્યો કે શમીને ક્લીનચીટ મળી ગઈ છે. મને લાગે છે કે તે દિવસ શમી માટે ખૂબ જ ખાસ હતો. તે જીત કરતાં ઘણો ખુશીનો દિવસ હતો. શમીએ ઘણો સંઘર્ષ કર્યો છે. તેણે ગામ છોડીને પોતાનું નામ બનાવ્યું છે. દરેક ષડયંત્રથી બચીને અને દરેક ષડયંત્રનો સામનો કરીને તે દુનિયાની ચમક-દમકમાં આ સ્થાને પહોંચ્યા છે. શમી આજે વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે.

ઉલ્લેખનીય છે કે શમી હાલમાં ઈજાના કારણે ભારતીય ટીમની બહાર છે. ભારત માટે શમીની છેલ્લી મેચ વન-ડે વર્લ્ડ કપમાં હતી. તેને પગની એડીમાં ઈજા થઈ હતી, જેની ફેબ્રુઆરીમાં સર્જરી કરવામાં આવી હતી. શમીએ વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. શમી હાલમાં પુનરાગમન માટે સખત મહેનત કરી રહ્યો છે. તેણે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવા માટે બોલિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. શમી સપ્ટેમ્બરમાં યોજાનારી બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીથી ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે.