February 24, 2025

નવા વર્ષ પહેલા મોદી સરકારની મોટી ભેટ, આ રાજ્યોના ખેડૂતોને મળશે ફાયદો

Modi Government: કેન્દ્ર સરકારે નવા વર્ષ પહેલા આ રાજ્યોના ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે હંમેશા ખેડૂતો માટે સમર્પણની ભાવના સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું કે આજે ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વૈષ્ણવે જણાવ્યું કે કોપરા માટે પ્રાઇસ પોલિસી 2025ની જાહેરાત કરવામાં આવી છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં કોપરાની મિલિંગની કિંમતમાં 422 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે હવે તેને 11,582 રૂપિયામાં ખરીદવામાં આવશે. જ્યારે ગત વર્ષની સરખામણીએ કોપરાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.100નો વધારો કરવામાં આવ્યો છે. હવે 12,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કર્ણાટકમાં તેનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. કુલ ઉત્પાદનમાં કર્ણાટકનો હિસ્સો 32.7 ટકા છે. જ્યારે તામિલનાડુ ઉત્પાદનમાં 25.7 ટકા હિસ્સો ધરાવે છે, કેરળનો 25.4 ટકા અને આંધ્રપ્રદેશનો 7.7 ટકા હિસ્સો છે. તેમણે કહ્યું કે આ માટે સરકાર દ્વારા 855 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ખેડૂતોના કલ્યાણ માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અમારી પ્રતિબદ્ધતા, ખેડૂતોના જીવનને સુધારવા માટે વડાપ્રધાનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આપણા દેશમાં કોપરાના ઉત્પાદનમાં કર્ણાટકનો સૌથી વધુ હિસ્સો છે. નાફેડ અને NCCF બંને કોપરાની પ્રાપ્તિ માટે કેન્દ્રીય નોડલ એજન્સીઓ હશે અને આ સિવાય રાજ્ય સરકારોની આમાં મોટી ભૂમિકા હશે, તેથી આ ખરીદી રાજ્ય સરકારના નિગમોના સહયોગથી કરવામાં આવશે.