November 5, 2024

વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટની મંજૂરી, સંસદના શિયાળુ સત્રમાં થશે રજૂ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેબિનેટ દ્વારા ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મોદી કેબિનેટે બેઠકમાં એક સાથે ચૂંટણી કરાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, આજે બપોરે 3 વાગે મોદી કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયને લઈને મીડિયા બ્રીફિંગ આપવામાં આવશે.

જણાવી દઈએ કે વન નેશન વન ઇલેક્શનને લઈને પહેલા જ કોવિંદ કમિટીએ પોતાનો રિપોર્ટ આપી દીધો. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં વન નેશન વન ઈલેક્શનની શક્યતાઓ પર પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, પ્રથમ પગલા તરીકે, લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ સાથે, સમગ્ર દેશમાં તમામ સ્તરે ચૂંટણી એક નિશ્ચિત સમયગાળામાં યોજવામાં આવી શકે છે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે.

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા સમયથી વન નેશન વન ઈલેક્શનની હિમાયત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘હું દરેકને એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે સાથે આવવા વિનંતી કરું છું, જે સમયની માંગ છે.’ લોકસભા ચૂંટણી પહેલા એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે સરકારોના સમગ્ર પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણી જ ન થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, ‘હું હંમેશા કહું છું કે ચૂંટણી ત્રણ કે ચાર મહિના માટે જ થવી જોઈએ. 5 વર્ષ સુધી રાજનીતિ ન થવી જોઈએ. આનાથી ચૂંટણીના સંચાલનમાં થતા ખર્ચમાં ઘટાડો થશે.